CSK coach Stephen Fleming pitch reaction: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઘરઆંગણે મળેલી કારમી હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે હારનું કારણ જણાવતા જે બહાનું કાઢ્યું છે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.


IPL 2025ની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૫૦ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં CSKનું બેટિંગ પ્રદર્શન સાધારણ રહ્યું હતું અને ટીમનો ધબડકો થયો હતો. ઘરઆંગણે CSKની આ સૌથી મોટી હાર હતી. મેચ બાદ ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ખરાબ ફિલ્ડિંગને હારનું કારણ ગણાવ્યું હતું, પરંતુ કોચ સ્ટીફન ફ્લેમિંગે અલગ જ વાત કહી છે.


મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું હતું કે તેઓ ચેપોકની પીચને સમજી શક્યા નથી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી CSK ચેપોકની પીચને વાંચવામાં સફળ રહી નથી. ઉલ્લેખનીય છે કે ચેપોકની પીચ સામાન્ય રીતે સ્પિન બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી હતી. આ મેચમાં સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરોને વધુ મદદ મળી રહી હતી, જેનો RCBના ફાસ્ટ બોલરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, જ્યારે CSK પાસે વધુ સ્પિન બોલરો છે.


ફ્લેમિંગે કહ્યું, "અમે તમને ઘણા વર્ષોથી કહી રહ્યા છીએ કે ચેપોકમાં હોમ ગ્રાઉન્ડ પર રમવાનો કોઈ ફાયદો નથી. અમે ઘણી વખત ઘરથી દૂર જીત્યા છીએ અને અમે આ પીચ વાંચી શક્યા નથી. અમે તમારી સાથે ખૂબ જ પ્રમાણિક છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે અહીં વિકેટ વાંચી શક્યા નથી. તેથી, આ કંઈ નવું નથી. અમે દરરોજ જે મળે છે તેની સાથે વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમને ખબર નથી."


સ્ટીફન ફ્લેમિંગે વધુમાં જણાવ્યું કે, "આ જૂનું ચેપોક નથી, જ્યાં તમે જઈને ચાર સ્પિનરો રમાડી શકો. અમારે દરેક પીચની પ્રકૃતિને સમજવા માટે ખરેખર સખત મહેનત કરવી પડશે અને તે તદ્દન અલગ છે." બીજી તરફ, ફ્લેમિંગને આશા હતી કે ઝાકળ તેમને લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે, પરંતુ બીજી ઇનિંગ્સમાં પીચ વધુ ધીમી બની ગઈ, જેના કારણે લક્ષ્ય મુશ્કેલ બન્યું. તેમણે કહ્યું, "ના, અમે તેને બરાબર સમજી શક્યા નથી. તે વાંચવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અમે વિચાર્યું હતું કે ઝાકળના કારણે બોલ સરકશે, પરંતુ વાસ્તવમાં તે થોડું ચીકણું થઈ ગયું. તેથી તે ચોક્કસપણે લક્ષ્યને મુશ્કેલ બનાવ્યું."