IPL 2024: જૂનમાં યોજાનારી વર્લ્ડકપ પહેલા તમામની નજર IPL - ઇન્ડિયન પ્રીમિયર લીગ પર છે, પરંતુ લીગનું શિડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણસિંહ ધૂમલે એક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે આ વખતે લીગનું શિડ્યૂલ એકસાથે નહીં પરંતુ તબક્કાવાર જાહેર કરવામાં આવશે. લીગ અને સામાન્ય ચૂંટણીઓના સમયગાળાના કારણે આવું થઈ રહ્યું છે. લીગ બે મહિનામાં કરાવવાની રહેશે. 21મી કે 22મી માર્ચથી 25મી કે 26મી મે સુધી તેનું આયોજન શક્ય છે.
આ લીગ વર્લ્ડકપના એક સપ્તાહ પહેલા પુરી કરવાની છે -
ધૂમલનું કહેવું છે કે IPL અને વૂમન્સ પ્રીમિયર લીગ (WPL)ની તૈયારીઓ પર કામ ચાલી રહ્યું છે. WPL મધ્ય ફેબ્રુઆરીથી 10 માર્ચ અને IPL 21, 22 માર્ચથી શરૂ થઈને 25, 26 મે સુધીમાં સમાપ્ત થવાની યોજના છે. જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે. ભારતની મેચ 4 જૂને છે. આના એક સપ્તાહ પહેલા IPL સમાપ્ત કરવાનો પ્રયાસ રહેશે. આ વખતે પડકાર એ છે કે દેશમાં સામાન્ય ચૂંટણીઓ છે. આવી સ્થિતિમાં IPLનું આખું શેડ્યૂલ એક સાથે રિલીઝ કરવું શક્ય નહીં બને. ચૂંટણીની તારીખો જાહેર થયા પછી ઘણી બાબતો નિર્ભર રહેશે.
ઉદઘાટન અને સમાપન સમારોહ પણ યોજાશે
ધૂમલે કહ્યું કે અમારી ટીમ સતત કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સાથે વાત કરી રહી છે. અમે તે મુજબ કામ કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં માર્ચ અને એપ્રિલ વચ્ચે પ્રથમ તબક્કાની જાહેરાત કરીશું. ત્યાર બાદ ચૂંટણીની તારીખો જાહેર થવાની આશા છે. પછી અમે નક્કી કરીશું કે બાકીના રાજ્યોમાં લીગ કેવી રીતે યોજવી. IPLની ઓપનિંગ અને ક્લૉઝિંગ સેરેમની પણ કરવામાં આવશે. આ અંગે પણ કામ ચાલી રહ્યું છે.
વિદેશમાં નથી લઇ જઇ રહ્યાં આઇપીએલ
અમે લીગને વિદેશમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા નથી. સરકાર પણ એવું જ ઈચ્છે છે, દેશમાં લીગ હોવી જોઈએ. અમે અહીં સરકાર સાથે સંકલન કરીને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. અમારી ટીમ લીગના આયોજનની મંજૂરી માટે ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારો સાથે વાત કરી રહી છે. અમે તેમની માર્ગદર્શિકા અનુસાર આગળનું શિડ્યૂલ નક્કી કરીશું.
ડબલ હેડરોની વધશે સંખ્યા
ધૂમલ કહે છે કે લીગના ડબલ હેડરની સંખ્યા (એક દિવસમાં બે મેચ) વધવાની અપેક્ષા છે. કયા રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાવાની છે તે જોવું રહ્યું. જો કોઈપણ રાજ્યમાં ચૂંટણીને કારણે લીગ મેચો અટકવી પડે તો ડબલ હેડરની સંખ્યા વધી શકે છે. અમારો પ્રયત્ન રહેશે કે પહેલા જેટલા ડબલ હેડર હતા.
ડબલ્યૂપીએલ દુનિયાની બીજી સૌથી મોટી મહિલા લીગ બની
WPL છેલ્લી વખત મુંબઈમાં યોજાઈ હતી, પરંતુ આ વખતે ફ્રેન્ચાઈઝી અને ચાહકોને ધ્યાનમાં રાખીને બેંગ્લોર અને દિલ્હી એમ બે શહેરોમાં આયોજિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમે ગયા વર્ષે મહિલા પ્રીમિયર લીગની શરૂઆત કરી હતી, પરંતુ ચાહકો અને ફ્રેન્ચાઈઝી તરફથી લીગને મળેલા પ્રતિસાદથી તે વિશ્વની બીજી સૌથી મોટી મહિલા લીગ બની ગઈ છે. આ બહુ ગર્વની વાત છે. છેલ્લી WPL ફાઇનલમાં, તે સ્પષ્ટ નહોતું કે તે પુરુષોની ફાઇનલ હતી કે મહિલાની. વિશ્વના અન્ય ક્રિકેટ બોર્ડના ક્રિકેટરો પણ તેમાં જોડાવા માંગે છે. આ બહુ મોટી વાત છે. આ લીગ પછી આપણાં રાજ્યોની એકેડેમીમાં મહિલા ક્રિકેટની માંગ અચાનક વધી ગઈ છે. ત્યાં મોટી સંખ્યામાં દીકરીઓ ક્રિકેટ રમવા આવી રહી છે. વાલીઓ તેમની દીકરીઓ સાથે મોટી સંખ્યામાં એકેડમીમાં આવી રહ્યા છે.