who will win ipl 2023 final if rain: આજે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિઝર્વ ડે પર ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ યોજાવાની છે. એક તરફ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમું આઈપીએલ ટાઈટલ જીતીને સૌથી વધુ આઈપીએલ ટ્રોફી જીતવાના મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડની બરોબરી કરવા માંગે છે તો બીજી તરફ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત ટ્રોફી જીતવાનો લક્ષ્યાંક સાથે મેદાને પડશે. પરંતુ મેચ પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો આજે પણ મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનશે તો વિજેતા કેવી રીતે જાહેર થશે? ચાલો જણાએ આખી પ્રક્રિયા. 


રિઝર્વ ડેને લઈ શું છે નિયમ?


રિઝર્વ ડે એટલે કે વરસાદને કારણે મેચ નિયત દિવસે પૂરી ન થાય તો તે મેચ બીજા દિવસે પૂર્ણ થશે. જોકે, જો મેચમાં એક પણ બોલ ફેંકવામાં નહીં આવે તો બીજા દિવસે મેચ નવેસરથી શરૂ થશે. દરેક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી પરંતુ મોટી ટુર્નામેન્ટની સેમી ફાઈનલ કે ફાઈનલ મેચ માટે રાખવામાં આવ્યો છે. આ જ નિયમ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની IPL 2023ની ફાઈનલ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. મેચ 28 મેના રોજ વરસાદના કારણે રમાઈ શકી નહોતી. ત્યારબાદ તેને રિઝર્વ ડે એટલે કે સોમવાર, 29 મેના રોજ શિફ્ટ કરવી પડી હતી.


જો  મેચમાં થોડી જ ઓવર ફેંકાઈ તો?


આ સ્થિતિમાં મેચ તેના નિર્ધારિત સમયે શરૂ થશે, પરંતુ જો વરસાદ ફરીથી ખલેલ પહોંચાડે તો 9:35 સુધી રાહ જોવી પડશે. જો તે પછી પણ વરસાદ બંધ નહીં થાય તો તે પછી ઓવરોમાં ઘટાડો શરૂ થશે. મેચમાં પરિણામ માટે ઓછામાં ઓછી 10 ઓવરની રમત હોવી જરૂરી છે. જો કે, તે પણ એક રસપ્રદ ઘટના છે કે જો કોઈ ટીમ આખી ઓવર રમે છે અને બીજી ઈનિંગ દરમિયાન વરસાદ આવે છે જેના કારણે મેચ પૂર્ણ ના થઈ શકે તો DLS (ડકવર્થ લુઈસ નિયમ) લાગુ થશે. આ અંતર્ગત મેચના વિજેતાની જાહેરાત કરવામાં આવશે.


જો એક પણ બોલ ફેંકવામાં ના આવે તો કોણ બને વિજેતા?


જો આજે (29 મે) રિઝર્વ ડે પર ફરી વરસાદ પડે અને મેચમાં એક પણ બોલ ફેંકવામાં ન આવે, તો ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને તેના ચાહકો માટે તે ખૂબ જ નિરાશાજનક ક્ષણ હશે. આ સ્થિતિમાં લીગ મેચોના આધારે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. તેનો અર્થ એ થયો કે, જો આપણે IPL 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત ટાઈટન્સની ટીમ 20 પોઈન્ટ સાથે ટોચ પર છે અને આ નિયમ મુજબ તેઓ વિજેતા બનશે.