IPL Final 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સિઝનનું નવું ચેમ્પીયન મળી ગયુ છે, ગઇકાલે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં રોમાંચક જીત જોવા મળી, છેલ્લા બૉલ પર ધોનીની ટીમે પાંચ વિકેટ જીત હાંસલ કરી અને આ સાથે જ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપર કિંગ્સ પાંચમી વાર આઇપીએલ વિજેતા બની હતી. પરંતુ આ મેચ બાદ એક ખાસ દ્રશ્ય જોવા મળ્યુ, ધોનીએ ફાઇનલ મેચ જીત્યા બાદ પણ આઇપીએલ 2023ની ટ્રૉફી ન હતી ઉઠાવી. કેપ્ટન તરીકે ધોનીએ ટ્રૉફી ના ઉઠાવતા અનેક સવાલો ઉભા થયા છે, પરંતુ હવે તેની પાછળનું કારણે સામે આવ્યુ છે. જાણો કેમ ધોનીએ ચેમ્પીયન બન્યા બાદ પણ આઇપીએલની ટ્રૉફી ના ઉઠાવી..... 


ચેમ્પીયન બન્યા બાદ પણ ધોનીએ હાથમાં ના લીધી આઇપીએલ ટ્રોફી- 
ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં જીત મેળવ્યા બાદ ધોનીની ટીમે જશ્ન મનાવવાનો શરૂ કરી દીધો હતો, પરંતુ જ્યારે ટ્રૉફી એનાયત કરવામાં આવી તે સમયે ધોનીએ ટ્રૉફી ના ઉઠાવીને રાયડુ અને જાડેજાને આગળ કર્યા હતા. આની પાછળનું ખાસ કારણ છે કે, રાયડુ આઇપીએલની પોતાની છેલ્લી મેચ રમી રહ્યો હતો, તેને અગાઉથી જ આઇપીએલમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી, જેથી તેના હાથમાં ટ્રૉફી થમાવવામાં આવી હતી. આ ઉપરાંત બીજી બાજુ રવિન્દ્ર જાડેજાએ પણ ટ્રૉફી ઉપાડી હતી, કારણ કે જાડેજાએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, અને બન્ને ટીમો વચ્ચે ફંસાયેલી મેચમાં વિનિંગ શૉટ ફટકારીને ધોનીને પાંચમીવાર ચેમ્પીયન કેપ્ટન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ તમામ કારણોસર ટીમની આ વિજયનો શ્રેય રવિન્દ્ર જાડેજા અને અન્ય ખેલાડીઓને નામે કરવા માટે સીનિયર એમ.એસ ધોનીએ IPLની ટ્રૉફીને પોતાના હાથમાં પણ ન લીધી. IPLની ટ્રૉફી રાયુડુ અને જાડેજાએ પોતાના હસ્તે સ્વીકારી અને ધોનીએ બાજુમાં ઊભા રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. છેલ્લે તમામ ખેલાડીઓ મંચ પર આવી ગયાં અને હર્ષોલ્લાસથી ટ્રૉફી સ્વીકારીને જશ્ન મનાવવા લાગ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ફરી એકવાર ધોનીની ટીમ ચેમ્પીયન બનવામાં સફળ રહી હતી, આ ટીમે પાંચમી વાર ટ્રૉફી પોતાના નામે કરી હતી. 16મી સિઝનમાં સોમવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે છેલ્લા બૉલ પર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સની ટીમને પાંચ વિકેટથી હરાવી દીધુ, આ સાથે જ ધોનીની ટીમ પાંચમી વાર ચેમ્પીયન બની ચૂકી છે. ડકવર્થ લૂઇસ નિયમ અંતર્ગત 15 ઓવરોમાં જીત માટે 171 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, જેને મેચની છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર કરાયો હતો. પરંતુ ખાસ વાત છે કે આ ફાઇનલ બાદ કેટલાય ખેલાડીઓને એવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.