Rohit Sharma IPL Record: રોહિત શર્મા પ્રથમ સિઝન એટલે કે 2008થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો ભાગ છે. રોહિત IPLના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેણે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ ટાઇટલ જીતાડ્યા છે. હવે હિટમેન આઈપીએલમાં તે ઐતિહાસિક આંકડાને સ્પર્શવા જઈ રહ્યો છે, જ્યાં અત્યાર સુધી માત્ર એમએસ ધોની જ પહોંચી શક્યા છે. વિરાટ કોહલી પણ આ ખાસ આંકડાથી દૂર છે.


આજે (18 એપ્રિલ, ગુરુવાર) IPL 2024ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ દ્વારા મુંબઈનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા તેની IPL કેરિયરની 250મી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર એમએસ ધોનીએ 250 મેચ રમવાનો આંકડો પાર કર્યો છે. ધોનીએ ટૂર્નામેન્ટમાં 256 મેચ રમી છે.


રોહિત શર્માએ અત્યાર સુધી 249 મેચ રમી છે. આવી સ્થિતિમાં આજે તે પંજાબ સામેની 250મી આઈપીએલ મેચ માટે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની વાત કરીએ તો તે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 244 મેચ રમી ચૂક્યો છે. કોહલી હજુ પણ 250 મેચના આંકડાથી દૂર છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા આ ખાસ આંકડાને સ્પર્શનાર ધોની બાદ બીજો ખેલાડી બની જશે.


અત્યાર સુધી આવી રહી રોહિત શર્માની આઇપીએલ કેરિયર
2008માં એટલે કે પ્રથમ સિઝનમાં IPLમાં ડેબ્યૂ કરનાર રોહિત શર્મા અત્યાર સુધીમાં 249 મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 244 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.1ની એવરેજ અને 131.22ની સ્ટ્રાઇક રેટથી 4932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે બોલિંગમાં 15 વિકેટ લીધી છે.


નોંધનીય છે કે રોહિત શર્મા IPLમાં રમી રહેલા તે ખેલાડીઓમાં સામેલ છે, જેણે બોલિંગમાં વિકેટની હેટ્રિક લીધી છે અને બેટિંગમાં સદી ફટકારી છે. રોહિત શર્મા અત્યાર સુધી IPLમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. હાલમાં તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.