LSG vs PBKS First Innings Score: લખનઉ સુપર જાયન્ટ્સે પહેલા રમતા 171 રન બનાવ્યા હતા. એકાના સ્ટેડિયમમાં હાઈ-સ્કોરિંગ મેચ રમાય તેવી અપેક્ષા હતી, પરંતુ પંજાબ કિંગ્સની ઘાતક બોલિંગ સામે લખનઉની બેટિંગ પડી ભાંગી. શ્રેયસ અય્યરે મજબૂત કેપ્ટનશિપ આપી, બોલરોનો યોગ્ય ઉપયોગ કર્યો, જેના કારણે લખનઉના બેટ્સમેનો કોઈ મોટી ભાગીદારી કરી શક્યા નહીં. પંજાબ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેનો નિર્ણય સાચો સાબિત થયો કારણ કે લખનઉની 3 વિકેટ 35ના સ્કોર પર પડી હતી. મોટી ભાગીદારીના અભાવને કારણે લખનઉ મોટા સ્કોર સુધી પહોંચી શક્યું ન હતું. જે બાદ નિકોલસ પુરન અને આયુષ બદોની વચ્ચે 54 રનની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ પુરન 30 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો.

રિષભ પંતનો ફ્લોપ શો, મિલર પણ નિષ્ફળ 

LSG કેપ્ટન રિષભ પંતનો IPL 2025માં ફ્લોપ શો ચાલુ છે. તે સિઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેના બેટમાંથી માત્ર 15 રન જ બન્યા હતા. હવે ફરી એકવાર તેનું બેટ પંજાબ કિંગ્સ સામેના મુકાબલામાં શાંત રહ્યું છે. પંત 2 રનના સ્કોર પર ગ્લેન મેક્સવેલના હાથે આઉટ થયો હતો. ટીમમાં હાજર અનુભવી ફિનિશર બેટ્સમેન ડેવિડ મિલર પણ નિષ્ફળ રહ્યો હતો, જે માત્ર 19 રન બનાવીને આઉટ થયો હતો.

પંજાબ સતત બીજી જીત તરફ

પંજાબ કિંગ્સ તરફથી મજબૂત બોલિંગ હતી. અર્શદીપ સિંહ ટીમનો સૌથી સફળ બોલર રહ્યો, જેણે કુલ 3 બેટ્સમેનોને આઉટ કર્યા. આ મેચમાં પંજાબ કિંગ્સ તરફથી લોકી ફર્ગ્યુસને ડેબ્યૂ કર્યું હતું, જે એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેના સિવાય ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી.

અર્શદીપ સિંહની ઘાતક બોલિંગને કારણે પંજાબે લખનૌને 171ના સ્કોર સુધી રોકી દીધું. આ મેચમાં લખનૌએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવતા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેમના તરફથી નિકોલસ પુરને સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. તેમના સિવાય આયુષ બદોનીએ 41, એડન માર્કરામે 28, અબ્દુલ સમદે 27, ડેવિડ મિલરે 19 રન બનાવ્યા હતા. મિશેલ માર્શ અને અવેશ ખાન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી. લખનૌ તરફથી અર્શદીપે ત્રણ જ્યારે લોકી ફર્ગ્યુસન, ગ્લેન મેક્સવેલ, માર્કો યાનસેન અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી.