Mohammed Shami IPL 2025: IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામે એક ખૂબ જ અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં શમીએ 4 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 75 રન આપ્યા હતા, જે IPLના ઈતિહાસમાં કોઈપણ ભારતીય બોલર દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન છે.

IPL 2025ની 27મી મેચમાં પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ મોહમ્મદ શમીના બોલનો ખૂબ જ ફાયદો ઉઠાવ્યો હતો. શમીએ પોતાની ચાર ઓવરમાં એટલા રન આપ્યા કે તે IPLનો સૌથી મોંઘો ભારતીય બોલર બની ગયો. આ સાથે જ તે IPLમાં સૌથી મોંઘો સ્પેલ ફેંકવાના મામલે ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચરના રેકોર્ડથી માત્ર એક રન પાછળ રહ્યો હતો. આર્ચરના નામે ચાલુ સિઝનમાં SRH સામે 4 ઓવરમાં 76 રન આપવાનો શરમજનક રેકોર્ડ છે.

મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરી હતી અને પ્રથમ ત્રણ ઓવરમાં 50થી વધુ રન બનાવી લીધા હતા. મોહમ્મદ શમીએ પંજાબની ઇનિંગ્સની શરૂઆતની 3 ઓવરમાંથી 2 ઓવર ફેંકી હતી. તેણે પોતાની પ્રથમ ઓવરમાં 14 રન આપ્યા હતા. ત્યારબાદ તે ત્રીજી ઓવરમાં પોતાના સ્પેલની બીજી ઓવર નાખવા આવ્યો હતો, જેમાં પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરને મળીને 3 છગ્ગા ફટકાર્યા હતા અને શમીએ આ ઓવરમાં 23 રન આપ્યા હતા. શમીને ધોવાતો જોઈને કેપ્ટન પેટ કમિન્સે બોલ હર્ષલ પટેલને સોંપ્યો હતો.

બાદમાં શમીને 13મી ઓવર નાખવા માટે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે 11 રન આપ્યા હતા. પરંતુ તેની સૌથી ખરાબ ઓવર 20મી રહી હતી. તે પોતાના ક્વોટાની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો અને તેનો સામનો માર્કસ સ્ટોઇનિસ સામે હતો. ઓવરના પહેલા બે બોલ સારા રહ્યા હતા, પરંતુ ત્યારબાદ સ્ટોઇનિસે બાકીના ચાર બોલ પર ચાર સિક્સર ફટકારીને શમીને પરેશાન કરી દીધો હતો. શમીએ આ ઓવરમાં 27 રન આપ્યા હતા. આ રીતે તેણે 4 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 75 રન આપી દીધા હતા અને IPLના ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો સ્પેલ ફેંકનાર બોલર બન્યો હતો.

આ 75 રન સાથે મોહમ્મદ શમીએ IPLના સૌથી મોંઘા ભારતીય બોલરનો અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ મોહિત શર્માના નામે હતો, જેણે IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 73 રન આપ્યા હતા. આમ, શમીએ મોહિત શર્માનો આ શરમજનક રેકોર્ડ તોડી નાખ્યો હતો.