Hardik pandya ipl 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની મેચો મુંબઈ ઈન્ડિયન્સ માટે પડકારજનક રહેવાની છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રતિબંધને કારણે આઇપીએલની પહેલી મેચ રમી શકશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની પોતાની પ્રથમ મેચ 23 માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે. તમે વિચારતા હશો કે IPL હજુ શરૂ થઈ નથી તો હાર્દિક પર પ્રતિબંધ કેમ?

હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમીને પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે 2021 સુધી આ ફ્રેન્ચાઇઝીનો મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો. 2022માં તે ગુજરાત ટાઇટન્સ માટે કેપ્ટન તરીકે રમ્યો અને તેના પહેલા જ વર્ષમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. 2023માં પણ તેમની કેપ્ટનશીપ હેઠળ તેમણે ગુજરાતને ફાઇનલમાં પહોંચાડ્યું જ્યાં તેમની ટીમ CSK સામે હારી ગઈ હતી. ગુજરાત માટે 2 સીઝન રમ્યા બાદ તે નવેમ્બરમાં મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને IPL 2024માં મુંબઈની જવાબદારી સંભાળી હતી.

IPL 2025ની પહેલી મેચમાં હાર્દિક પંડ્યા પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

હાર્દિક પંડ્યા IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હતો. આ સમયગાળા દરમિયાન ટીમને સ્લો ઓવર રેટ માટે ત્રણ વખત દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે કેપ્ટન પહેલી વાર દોષિત ઠરે છે ત્યારે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો આવું બીજી વખત થાય છે તો કેપ્ટન અને અન્ય 24 ખેલાડીઓને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આવી ત્રીજી ભૂલ માટે કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ સીઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત ઠર્યું હતું. હવે હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ છે તેથી તે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની પહેલી મેચ રમી શકશે નહીં ત્યારબાદ તે ટીમમાં પાછો ફરશે.

જસપ્રીત બુમરાહ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી 

મુંબઈ ઈન્ડિયન્સ માટે મુશ્કેલી એ પણ છે કે તેની પ્રથમ મેચ CSK સામે છે, જે ખૂબ જ મજબૂત ટીમ માનવામાં આવે છે. આ મેચમાં હાર્દિક પંડ્યા નહીં હોય, જસપ્રિત બુમરાહની રમતને લઈને પણ સસ્પેન્સ છે. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમી શક્યો નહોતો. હવે તેમના સંબંધમાં શું અપડેટ છે, કંઈ જાણી શકાયું નથી. જો કે, એવું માનવામાં આવે છે કે જસપ્રિત બુમરાહ ઓછામાં ઓછા એક કે બે અઠવાડિયા સુધી તેની ટીમમાં સામેલ થઈ શકશે નહીં. એટલે કે સમસ્યા મુંબઈ માટે વધુ છે.