GT vs MI IPL 2025: આઈપીએલ ૨૦૨૫માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં એક અનોખી ઘટના જોવા મળી હતી. બંને ટીમો પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ આ મુકાબલામાં જીત માટે ઝઝૂમી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાત ટાઇટન્સે બેટિંગમાં જોરદાર શરૂઆત કરી હતી. જો કે, અંતિમ ઓવરોમાં વિકેટોની હારમાળા સર્જાઈ, જેમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી, પરંતુ કોઈ બોલર હેટ્રિક નોંધાવી શક્યો નહીં.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી. ગિલના આઉટ થયા બાદ જોસ બટલરે પણ ઝડપી રન બનાવ્યા હતા. ૧૮મી ઓવર સુધી ગુજરાતનો સ્કોર ૧૭૯ રન હતો અને માત્ર ૪ વિકેટ પડી હતી, જેના કારણે ટીમ ૨૦૦ રનનો આંકડો પાર કરે તેવી લાગી રહ્યું હતું. પરંતુ પછી અચાનક વિકેટો પડવાનું શરૂ થયું.


મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ ૧૮મી અને ૧૯મી ઓવરમાં સળંગ ૩ બોલમાં ગુજરાતના ૩ બેટ્સમેનોને આઉટ કર્યા હતા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોઈ બોલરને હેટ્રિક મળી ન હતી. આનું કારણ એ હતું કે આ ત્રણ વિકેટ બે અલગ-અલગ ઓવરમાં પડી હતી અને તેમાંથી એક વિકેટ રનઆઉટના રૂપમાં મળી હતી.


વાત એમ હતી કે ૧૮મી ઓવરના છેલ્લા બોલ પર ટ્રેન્ટ બોલ્ટે સાઈ સુદર્શનને કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ૧૯મી ઓવરની શરૂઆતમાં દીપક ચહરે પ્રથમ બોલ પર નવા બેટ્સમેન રાહુલ તેવટિયાને રનઆઉટ કર્યો હતો. આ જ ઓવરના બીજા બોલ પર દીપક ચહરે શેરફેન રધરફર્ડને પણ કેચ આઉટ કરાવ્યો હતો. આમ, સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી હોવા છતાં, બે અલગ-અલગ ઓવર અને એક રનઆઉટના કારણે કોઈ બોલર હેટ્રિકનો દાવો કરી શક્યો નહીં.


ગુજરાત ટાઇટન્સે આ વિકેટો પડવા છતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૯૬ રન બનાવ્યા હતા. ઓપનર સાઈ સુદર્શને ૪૧ બોલમાં ૬૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન શુભમન ગિલે ૨૭ બોલમાં ૩૮ અને જોસ બટલરે ૨૪ બોલમાં ૩૯ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટન હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે ૪ ઓવરમાં માત્ર ૨૯ રન આપીને ૨ વિકેટ લીધી હતી. આ અનોખી ઘટનાએ મેચને વધુ રસપ્રદ બનાવી દીધી હતી.