PBKS vs KKR Highlights IPL 2025 Match 31: પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રનથી હરાવ્યું. આજે મુલ્લાનપુર મેદાનમાં આવેલા દર્શકોને રોમાંચ કોને કહેવાય તેનો અંદાજ આવી ગયો હશે. આ મેચમાં પહેલા રમતા પંજાબની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં KKRની ટીમ માત્ર 95 રન બનાવી શકી હતી. સામાન્ય રીતે આ મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે, પરંતુ પંજાબના બોલિંગ યુનિટે નાનો ટાર્ગેટ હોવા છતાં કોલકાતાના બેટ્સમેનોને પરસેવો પાડી દીધો હતો.
112 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે KKRની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંને ઓપનિંગ બેટ્સમેન 7 રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. ક્વિન્ટન ડી કોક 2 રન બનાવીને આઉટ થયો હતો અને સુનીલ નારાયણ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ લો સ્કોરિંગ મેચમાં અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 55 રનની ભાગીદારી કરીને KKRની જીતની તકો વધારી દીધી હતી. મેચમાં કોલકાતા તરફથી રઘુવંશીએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. બીજી તરફ રહાણેએ 17 રન બનાવ્યા હતા.
7 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી
112 રનના ટાર્ગેટનો પીછો કરતા KKRએ એક તબક્કે 3 વિકેટના નુકસાને 72 રન બનાવી લીધા હતા. આ પછી અંગક્રિશ રઘુવંશીના આઉટ થવાથી શરૂ થયેલો સિલસિલો અટક્યો ન હતો અને કોલકાતાની ટીમે માત્ર 7 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ અને હર્ષિત રાણાની વિકેટ પડી હતી. વેંકટેશે માત્ર 7 રન બનાવ્યા અને રિંકુ સિંઘ જેનાથી મોટા સ્કોર થવાની આશા હતી તે માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો.
યુઝવેન્દ્ર ચહલનો ચક્રવ્યૂહ
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમની હાલત ખરાબ કરવામાં સૌથી મોટો ફાળો યુઝવેન્દ્ર ચહલનો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 28 રન આપીને ચાર મહત્વની વિકેટ લીધી હતી. ચહલે અજિંક્ય રહાણે અને ખાસ કરીને અંગક્રિશ રઘુવંશીની વિકેટ લઈને મેચને પંજાબની તરફેણમાં ફેરવી દીધી હતી. આ સિવાય તેણે રિંકુ સિંહ અને રમનદીપ સિંહની વિકેટ પણ લીધી હતી. લો સ્કોરિંગ મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો.