Arun Jaitley Stadium Pitch Report: IPLમાં આજે રાત્રે એટલે કે 11 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ જામશે. આ મેચ દિલ્હી કેપિટલ્સના હૉમ ગ્રાઉન્ડ દિલ્હીના 'અરુણ જેટલી સ્ટેડિયમ' પર રમાશે. આ મેદાનની ખાસ વાત છે કે અહીં ટૉસ મહત્વની ભૂમિકામાં રહેશે, કેમ કે અહીં ટૉસ જીતનારી ટીમને વધુ ફાયદો થઇ રહ્યો છે, કારણ કે છેલ્લા ચાર વર્ષથી આ મેદાન પર રમાયેલી મોટાભાગની ટી20 મેચો બીજી ઇનિંગમાં લક્ષ્યનો પીછો કરતી ટીમો જીતી છે. આવી સ્થિતિમાં ટૉસ જીતનારી ટીમ અહીં પહેલા બૉલિંગ કરવાનું પસંદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019થી અત્યાર સુધીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં કુલ 31 T20 મેચો રમાઈ છે. આ દરમિયાન બીજી બેટિંગ કરનાર ટીમે વધુ 23 મેચ જીતી છે. વળી, પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર 6 મેચમાં જ જીત મેળવી શકી છે. અન્ય બે મેચ ટાઈ રહી છે. આજની મેચમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહેવાની પુરેપુરી શક્યતા છે. આવી સ્થિતિમાં ટૉસ જીતનારી ટીમ ચોક્કસપણે અહીં બીજી બેટિંગ કરવાનું પસંદ કરશે. એમ કહી શકાય કે અહીં ટૉસ બૉસ બનશે અને ટૉસ જીતનારી ટીમની મેચ જીતવાના પુરેપુરા ચાન્સ વધુ હશે.
કેવી છે અરુણ જેટલી સ્ટેડિયમની પીચ ?
ગયા અઠવાડિયે અહીં રમાયેલી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ મેચમાં ફાસ્ટ બૉલરોને જબરદસ્ત મદદ મળી હતી. અહીં દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 162 રન જ બનાવી શકી હતી. અહીં લક્ષ્યનો પીછો કરતી વખતે ગુજરાતે પાવરપ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ગુજરાતની ટીમ આ મેચ જીતી શકી ન હતી. એવી સંભાવના છે કે, આજની મેચમાં પણ અહીંની પીચ ઝડપી બૉલરોને મદદ કરશે.