Punjab Kings Records: IPLમાં ગઇરાત્રે શિખર ધવનની પંજાબ કિંગ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 214 રનનો સ્કૉર બનાવી લીધો હતો, જોકે, મુંબઇ ઇન્ડિયન્સે મેચમાં 7 બૉલ બાકી રહેતા ટાર્ગેટને ચેઝ કરીને જીત હાંસલ કરી લીધી હતી. પંજાબ ભલે આ મેચ હારી ગઇ પરંતુ તેના નામે એક ખાસ આઇપીએલ રેકોર્ડ નોંધાઇ ગયો હતો. પંજાબની ટીમ આઇપીએલમાં સળંગ ચાર મેચોમાં 200+ રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઇ છે. આ પહેલા IPLમાં કોઈપણ ટીમ બેટિંગમાં આટલું રેગ્યૂલર પરફોર્મન્સ નથી આપી શકી.
ઉલ્લેખનીય છે કે, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 214 રન બનાવ્યા હતા, આ અગાઉ પંજાબે 30 એપ્રિલે તેની ગઇ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 201 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તેનાથી પહેલા 28 એપ્રિલે પંજાબની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સ સામે પણ 201 રન બનાવ્યા હતા, જોકે તે મેચમાં પંજાબને 56 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, 22 એપ્રિલે પણ પંજાબની ટીમે મુંબઈ સામે 214 જ રન બનાવ્યા હતા. આ મેચમાં પંજાબે મુંબઈને 13 રનથી હરાવ્યુ હતુ. આમ પંજાબ કિંગ્સે સળંગ ચાર મેચોમાં 200+નો સ્કૉર કર્યો હતો, અને આઇપીએલ ઇતિહાસમાં આવું કરનારી પ્રથમ ટીમ બની ગઇ હતી.
પંજાબ કિંગ્સની બેટિંગ દરમિયાન દર વખતે અલગ અલગ બેટ્સમેનો રન બનાવી રહ્યાં છે. ક્યારેક લિવિંગસ્ટૉન અને જીતેશ તો ક્યારેક સેમ કરન અને પ્રભસિમરન સિંહ પંજાબને 200+નો સ્કૉર પાર કરવામાં મદદ કરી રહ્યાં છે. જોકે આ વખતે પંજાબની બૉલિંગ ખુબ જ વીક સાબિત થઇ રહી છે. પંજાબ કિંગ્સે તેમની છેલ્લી ચાર મેચોમાં વિરોધી ટીમને 200+ રન બનાવવાની તક આપી છે.
પંજાબ કિંગ્સ માટે મિશ્ર રહી છે આ IPL 2023 -
IPL 2023માં પંજાબ કિંગ્સની ટીમ અત્યાર સુધી કુલ 10 મેચ રમી ચૂકી છે. જેમાં તેને 5 મેચમાં જીત મળી છે, તો 5 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબની ટીમ અત્યારે પૉઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. જો પંજાબને પ્લેઓફમાં પહોંચવું હશે તો તેને બેટિંગની સાથે સાથે બૉલિંગમાં પણ સારું પરફોર્મન્સ કરવુ પડશે.