RCB vs DC highlights: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની ૪૬મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ શાનદાર પ્રદર્શન કરીને દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટે હરાવીને પોતાની પાછલી હારનો બદલો લઈ લીધો છે. વિરાટ કોહલી (Virat Kohli ) અને કૃણાલ પંડ્યા RCBની આ જીતના મુખ્ય હીરો રહ્યા હતા.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૬૨ રન બનાવ્યા હતા અને RCB સામે ૧૬૩ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને એક તબક્કે ટીમે માત્ર ૨૬ રનમાં ૩ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

જોકે, ત્યારબાદ વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ (Krunal Pandya) ઇનિંગ્સ સંભાળી અને જોરદાર બેટિંગ કરીને ચોથી વિકેટ માટે ૧૧૯ રનની મજબૂત ભાગીદારી નોંધાવી, જેના કારણે RCB ફરી મેચમાં પાછું ફર્યું. કૃણાલ પંડ્યાએ ૪૭ બોલમાં ૫ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી અણનમ ૭૩ રનની શાનદાર અને મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. રસપ્રદ વાત એ છે કે કૃણાલ પંડ્યાએ ૯ વર્ષ બાદ IPLમાં અડધી સદી ફટકારી છે, આ પહેલા ૨૦૧૬માં તેના બેટમાંથી ફિફ્ટી આવી હતી.

બીજી તરફ, 'કિંગ' વિરાટ કોહલીએ પણ મહત્વપૂર્ણ ૫૧ રનનું (૪૭ બોલમાં ૪ ચોગ્ગા) યોગદાન આપ્યું હતું. આ ઇનિંગ સાથે વિરાટ કોહલી IPL ૨૦૨૫માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે અને તેણે ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે. અંતમાં ટિમ ડેવિડે માત્ર પાંચ બોલમાં ૧૯ રન ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

દિલ્હી માટે કેપ્ટન અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી હતી અને પોતાની ચાર ઓવરમાં માત્ર ૧૯ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી, જે DCનો સર્વશ્રેષ્ઠ બોલિંગ દેખાવ હતો. દુષ્મંથા ચમીરાને પણ એક વિકેટ મળી હતી. જોકે, કોહલી અને કૃણાલની ભાગીદારી સામે દિલ્હીના બોલરો લાચાર સાબિત થયા.

આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ૨૦૨૫ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે, જે ટીમ માટે એક મોટી ઉપલબ્ધિ છે.