મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં પંજાબે બેંગ્લોરને 54 રને હરાવ્યું હતું. 210 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે આ મેચમાં રબાડાએ 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના સિવાય રાહુલ ચહર અને ઋષિ ધવનને પણ 2-2 વિકેટ લીધી હતી. આ જીત સાથે પંજાબે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. પંજાબ કિંગ્સ માટે સિઝનમાં આ છઠ્ઠી જીત છે.






પંજાબ તરફથી ઓપનર જોની બેયરસ્ટોએ 29 બોલમાં 66 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેના સિવાય લિવિંગસ્ટોને 42 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. 210 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેગ્લોરની શરૂઆત સારી રહી નહોતી. આ દરમિયાન કોહલી ફરી એકવાર ઓછા રન બનાવી આઉટ થયો હતો. કોહલી આ મેચમાં 20 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો હતો. તેના આઉટ થયા બાદ ફાફ પણ 10 રન બનાવીને ઋષિ ધવનનો શિકાર બન્યો હતો. આ પછી મહિપાલને પણ ઋષિએ આઉટ કર્યો હતો.


3 વિકેટ પડ્યા બાદ રજત અને મેક્સવેલે ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 64 રનની ભાગીદારી કરી હતી. ખતરનાક બની રહેતી આ ભાગીદારી સ્પિનર રાહુલ ચહરે તોડી હતી. જોકે આ અગાઉ રજત પાટીદારે 102 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. દરમિયાન બોલ મેચ જોવા આવેલા એક વૃદ્ધના માથામાં વાગ્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.


 મેક્સવેલે 35 રન બનાવ્યા હતા


210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત સારી રહી નહોતી. ચોથી ઓવરમાં વિરાટ કોહલી 14 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી 5મી ઓવરમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. આ જ ઓવરમાં મહિપાલ લોમરોર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 11મી ઓવરમાં રજત પાટીદાર 21 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ગ્લેન મેક્સવેલે 22 બોલમાં 35, દિનેશ કાર્તિકે 11 બોલમાં 11, શાહબાઝ અહેમદે 14 બોલમાં 9, હર્ષલ પટેલે 7 બોલમાં 11 અને વનિન્દુ હસરંગાએ 3 બોલમાં 1 રન બનાવ્યા હતા. આરસીબી 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી. પંજાબે આ મેચ 54 રને જીતી લીધી હતી.