Ruturaj Gaikwad injury update: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમના નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે આ સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને હવે બાકીની તમામ મેચોમાં અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) ટીમની કમાન સંભાળશે. આ માહિતી ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે આપી છે.

૨૦૨૩ સુધી IPLમાં કેપ્ટનશીપ કર્યા બાદ, ધોનીએ આ સિઝનની શરૂઆતમાં ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપી હતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ CSKએ ગત સિઝનમાં ચેમ્પિયનનો ખિતાબ પણ જીત્યો હતો. ધોનીએ IPLમાં ૨૨૬ મેચોમાં કેપ્ટનશીપ કરી છે અને તેમાંથી ૧૩૩ મેચોમાં ટીમને વિજય અપાવ્યો છે. તે એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે કેપ્ટનશીપ દરમિયાન ૧૦૦થી વધુ IPL મેચો જીતી છે. તેમના પછી રોહિત શર્માનું નામ આવે છે, જેમણે ૧૫૮ મેચોમાં કેપ્ટનશીપ કરી અને ૮૭ મેચોમાં ટીમને જીત અપાવી છે.

એમએસ ધોની IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડી પણ છે. તેમણે પોતાની ૧૮ વર્ષની કારકિર્દીમાં બે અલગ-અલગ ટીમ માટે કુલ ૨૬૯ મેચ રમી છે. આ દરમિયાન તેમણે લગભગ ૧૩૭ના સ્ટ્રાઈક રેટથી ૫૩૪૨ રન બનાવ્યા છે, જેમાં ૨૪ અડધી સદીઓનો સમાવેશ થાય છે. તેમના નામે ૨૬૮ ચોગ્ગા અને ૨૫૭ છગ્ગા નોંધાયેલા છે. ધોની પછી મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્માએ સૌથી વધુ ૨૬૦ મેચ રમી છે.

તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચ દરમિયાન ધોનીના માતા-પિતા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા, જેના કારણે તેમની નિવૃત્તિ અંગેની અટકળો તેજ થઈ ગઈ હતી. કારણ કે ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેમના માતા-પિતા ક્યારેય સ્ટેડિયમમાં તેમની મેચ જોવા આવ્યા નહોતા. જો કે, આ પછી ધોનીએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં પણ ભાગ લીધો હતો. હવે ઋતુરાજ ગાયકવાડની ઈજાના કારણે ધોની ફરી એકવાર ટીમની કમાન સંભાળશે, જે CSKના ચાહકો માટે એક સારા સમાચાર છે.