Shardul Thakur IPL 2025 unsold: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એક એવી ટુર્નામેન્ટ છે જ્યાં દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડી પોતાની રમતથી બધાને ચોંકાવી દે છે. IPL 2025ની મેગા ઓક્શનમાં જે ખેલાડીને કોઈ ખરીદનાર નહોતું મળ્યું, તે જ ખેલાડીએ મેદાનમાં ઉતરતાની સાથે જ વિરોધી ટીમની કમર તોડી નાખી. અમે વાત કરી રહ્યા છીએ શાર્દુલ ઠાકુરની, જેણે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી.


ગત વર્ષે IPL 2025 માટે યોજાયેલી મેગા ઓક્શનમાં શાર્દુલ ઠાકુરે પોતાનું નામ નોંધાવ્યું હતું. તેને શોર્ટલિસ્ટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે હરાજી દરમિયાન તેનું નામ બોલાયું ત્યારે કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ તેનામાં રસ દાખવ્યો ન હતો. ત્યારબાદ પણ કોઈ ટીમ તેને પોતાની સાથે જોડવા તૈયાર ન હતી. એવું લાગી રહ્યું હતું કે શાર્દુલ આ સિઝનમાં નહીં રમી શકે. પરંતુ પછી એક એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. LSG ટીમમાં સામેલ મોહસીન ખાન ઈજાગ્રસ્ત થયો. પહેલા તેની રાહ જોવાઈ, પરંતુ જ્યારે તે સ્વસ્થ ન થયો ત્યારે તેના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. મેગા ઓક્શનમાં શાર્દુલની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી અને LSGએ આ કિંમતે તેને પોતાની ટીમમાં લીધો.


આ પછી જ્યારે LSGએ પોતાની પ્રથમ મેચ રમી ત્યારે કેપ્ટન ઋષભ પંતે શાર્દુલને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી. જ્યારે LSG ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે શાર્દુલ ઠાકુર પણ બેટિંગમાં આવ્યો, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં અને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. ત્યારે એવું લાગ્યું કે કદાચ ટીમનો નિર્ણય ખોટો હતો. પરંતુ શાર્દુલનું અસલી પરાક્રમ તો બોલિંગમાં જોવા મળ્યું. જ્યારે તેણે પહેલી ઓવર ફેંકી ત્યારે તેણે બીજા જ બોલ પર વિશ્વના વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક જેક ફ્રેઝર મેકગર્કને પેવેલિયન ભેગો કરી દીધો. એટલું જ નહીં, તેણે એ જ ઓવરના પાંચમા બોલ પર અભિષેક પોરલને પણ આઉટ કર્યો. 210 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી દિલ્હી કેપિટલ્સને પહેલી જ ઓવરમાં બે મોટા ઝટકા લાગ્યા અને ટીમ બેકફૂટ પર આવી ગઈ. શાર્દુલ ઠાકુરે પોતાની બોલિંગથી સાબિત કરી દીધું કે જે ટીમોએ તેને ખરીદવામાં રસ નહોતો દાખવ્યો, તેમનો નિર્ણય કદાચ ખોટો હતો.


મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. એક સમયે ટીમ 230થી વધુ રન બનાવશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ નિકોલસ પૂરનના આઉટ થયા બાદ ટીમને ફટકો પડ્યો હતો. ટીમ તરફથી માત્ર બે બેટ્સમેનોએ સારી બેટિંગ કરી હતી. મિચેલ માર્શે 36 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી, તો બીજી તરફ નિકોલસ પૂરને 30 બોલમાં 75 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં ડેવિડ મિલરે પણ 19 બોલમાં 27 રન બનાવીને ટીમને 200ના આંકડાને પાર પહોંચાડી હતી.