Kamindu Mendis Both Hands Bowling: ઈન્ડિયન પ્રિમિયર લીગમાં દર વર્ષે અદભૂત પ્રતિભા ધરાવતા ખેલાડીઓ આવે છે. હવે IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી બંને હાથે બોલિંગ કરવા બદલ ચર્ચામાં આવ્યો છે. ગુરુવારે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં કમિન્ડુ મેન્ડિસે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે પહેલા પણ બંને હાથે બોલિંગ કરવાને કારણે હેડલાઇન્સમાં રહ્યો છે. હવે તેણે IPLમાં પણ પોતાની પ્રતિભા બતાવી દીધી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેણે એક જ મેચની એક જ ઓવરમાં બે અલગ અલગ રીતે બોલિંગ કરી હતી.
કમિન્ડુ મેન્ડિસ પાસે અદભૂત પ્રતિભા છે
કોલકત્તા સામેની મેચમાં શ્રીલંકાના કમિન્ડુ મેન્ડિસે પણ જમણા અને ડાબા બંને હાથે બોલિંગ કરી હતી. આ કોલકાતાની ઇનિંગની 12મી ઓવરમાં કરી હતી. જેમાં કમિન્ડુ મેન્ડિસ બોલિંગ કરવા આવ્યો. KKR તરફથી અંગક્રિશ રઘુવંશી અને વેંકટેશ અય્યર ક્રિઝ પર હાજર હતા. રઘુવંશી રમી રહ્યો હતો ત્યારે મેન્ડિસ ડાબા હાથે બોલિંગ કરતો હતો. જ્યારે વેંકટેશ ઐય્યર બીજા જ બોલ પર સ્ટ્રાઇકિંગ એન્ડ પર પહોંચ્યો ત્યારે મેન્ડિસે માત્ર એંગલ જ નહીં પરંતુ જમણા હાથથી બોલિંગ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
તેણે ભારત સામે પણ સારુ પ્રદર્શન કર્યું હતું
ગયા વર્ષે જૂલાઈ મહિનામાં ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણી રમાઈ હતી. તે સમયે ટીમ ઈન્ડિયા સામેની મેચમાં મેન્ડિસે સૂર્ય કુમાર યાદવને ડાબા હાથથી બોલિંગ કરી હતી, જ્યારે રિંકુ સિંહ રમી રહ્યો હતો, ત્યારે મેન્ડિસે જમણા હાથથી બોલિંગ શરૂ કરી હતી.
ICCના નિયમો કહે છે કે જો કોઈ બોલર બંને હાથે બોલિંગ કરવા માંગે છે તો તેણે પહેલા અમ્પાયરને તેની જાણ કરવી પડશે. જે પણ બેટ્સમેન સ્ટ્રાઇકિંગ એન્ડ પર હોય, તેને એ પણ ખબર હોવી જોઈએ કે બોલર કયા હાથથી બોલ ફેંકવાનો છે. જો બોલર અમ્પાયરને જાણ કર્યા વિના બીજા હાથે બોલિંગ કરે છે તો તેના બોલને નો-બોલ જાહેર કરવામાં આવશે.