IPL 2024: એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન નવા રેકોર્ડ બનાવવાની છે. મંગળવારે રમાયેલી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સુનીલ નારાયણે પોતાની ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. આ સદીની ઇનિંગ્સના કારણે તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેણે આરઆર સામે 56 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. હવે સુનીલ નારાયણ પણ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જે અત્યાર સુધી માત્ર રોહિત શર્મા અને શેન વોટસન પોતાના નામે કરી શક્યા હતા. સુનીલ નારાયણ આઈપીએલના ઈતિહાસમાં સદી અને હેટ્રિક કરનારો માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે.


સુનીલ નારાયણ સદી અને હેટ્રિક કરનારો માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે 


સુનીલ નારાયણે રાજસ્થાન રોયલ્સ સામે 49 બોલમાં સદી ફટકારી છે. બોલર તરીકે તેણે 2013માં KKR તરફથી રમતા પંજાબ કિંગ્સ સામે હેટ્રિક લીધી હતી. નારાયણ સતત 3 બોલમાં ડેવિડ હસી, અઝહર મહેમૂદ અને ગુરકીરત સિંહને આઉટ કર્યા હતા. સુનીલ નારાયણની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 168 મેચમાં 1 સદી અને 5 અડધી સદી રમીને 1,322 રન બનાવ્યા છે. બીજી તરફ બોલર તરીકે તેણે 168 મેચમાં 168 વખત બેટ્સમેનોને પોતાની સ્પિનમાં ફસાવ્યા છે.


સુનિલ નારાયણ પહેલા રોહિત શર્મા પણ આ કરી ચુક્યો છે જેના નામે IPLમાં 2 સદી છે. કરિયરના શરૂઆતના દિવસોમાં રોહિત પણ નિયમિત બોલિંગ કરતો હતો. 2009માં ડેક્કન ચાર્જર્સ તરફથી રમતી વખતે તેણે સતત 3 બોલમાં અભિષેક નાયર, હરભજન સિંહ અને જેપી ડ્યુમિનીને પેવેલિયનમાં મોકલ્યા હતા. નરેન અને રોહિત સિવાય શેન વોટસન ત્રીજો ખેલાડી છે જેણે સદી ફટકારવા ઉપરાંત હેટ્રિક પણ લીધી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન વોટસને તેની IPL કરિયરમાં એક કે બે નહીં પરંતુ 4 સદીની ઇનિંગ્સ રમી હતી. વોટસને 2014માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હેટ્રિક લીધી હતી. વોટસને સતત 3 બોલમાં શિખર ધવન, મોઈસેસ હેનરિક્સ અને કર્ણ શર્માને પેવેલિયન મોકલી દીધા હતા.  


સુનીલ નારાયણે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સૌથી ઝડપી સદીની ઈનિંગ્સ રમવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અત્યાર સુધી KKR માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ વેંકટેશ અય્યરના નામે હતો, જેણે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 49 બોલમાં સદી ફટકારી હતી. હવે સુનીલ નારાયણે પણ આટલા જ બોલમાં સદી પૂરી કરીને ઐયરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તેના પછી આ લિસ્ટમાં બ્રેન્ડન મેક્કુલમનો નંબર આવે છે, જેણે IPL 2008માં RCB સામે 53 બોલ રમીને સદી પૂરી કરી હતી.