SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 2 રનથી રોમાંચક જીત હાંસલ કરી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી ન હતી કારણ કે ટીમે 20 રનની અંદર ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે સેમ કરન અને સિકંદર રઝાએ અનુક્રમે 29 રન અને 28 રન બનાવીને પંજાબની વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયા હતા. SRH વતી, ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને કેપ્ટન પેટ કમિન્સે ચુસ્ત બોલિંગ કરી અને પંજાબના બેટ્સમેનોને દબાણમાં મુક્યા. પંજાબના હીરો શશાંક સિંહે ગુજરાત ટાઇટન્સ સામે 46 રનની ઇનિંગ રમી હતી, જ્યારે આશુતોષ શર્માએ પણ છેલ્લી ઓવરોમાં ધમાલ મચાવી હતી, પરંતુ તેની મહેનત છતાં પંજાબનો 2 રને પરાજય થયો હતો.


 




પંજાબ સતત વિકેટ ગુમાવી રહ્યું હતું, જેથી ટીમને છેલ્લી 5 ઓવરમાં 78 રન બનાવવાના હતા. વધુ રન બનાવવાના દબાણમાં જીતેશ શર્માએ 16મી ઓવરમાં સિક્સર ફટકાર્યા બાદ બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી, જેણે 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. પંજાબના બેટ્સમેનોએ આગામી 2 ઓવરમાં ચોક્કસપણે 28 રન બનાવ્યા હતા, પરંતુ તેમને હજુ 18 બોલમાં 50 રનની જરૂર હતી. શશાંક સિંહ અને આશુતોષ શર્માની જોડી ફરી એકવાર મેચમાં વાપસી કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તેમની સામે છેલ્લા 6 બોલમાં 29 રન બનાવવાનો મુશ્કેલ પડકાર હતો.


છેલ્લી ઓવરનો પહેલો બોલ નીતીશના હાથે કેચ છૂટીને બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો હતો. તો બીજી તરફ બે વાઈડ બોલ નાખ્યા બાદ જયદેવ અનડકટે ફરી સિક્સર ખાધી. પંજાબને છેલ્લા 3 બોલમાં માત્ર 13 રનની જરૂર હતી. જ્યારે છેલ્લા બોલનો વારો  આવ્યો ત્યારે પંજાબને 9 રનની જરૂર હતી. શશાંક સિંહે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી, તેમ છતાં પંજાબને 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈનિંગની આ છેલ્લી ઓવરમાં જયદેવ ઉનડકટે 26 રન આપ્યા હતા.


શશાંક-આશુતોષની જોડીએ  મેચ રોમાંચક બનાવી હતી
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં, શશાંક સિંહ અને આશુતોષની જોડીએ છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી અને પંજાબ કિંગ્સ માટે હારી ગયેલી રમત જીતી લીધી. આ વખતે પણ તેમની જોડીએ છેલ્લી ઓવરોમાં પંજાબને જીતની નજીક પહોંચાડ્યું હતું. એક તરફ શશાંક સિંહે 25 બોલમાં 46 રન અને આશુતોષે 15 બોલમાં 33 રન ફટકાર્યા હતા, પરંતુ પંજાબની જીત નિશ્ચિત કરી શક્યા ન હતા. SRHની બોલિંગની વાત કરીએ તો, ભુવનેશ્વર કુમારે 2 મહત્વની વિકેટ લીધી હતી. જ્યારે પેટ કમિન્સ, ટી નટરાજન, નીતિશ રેડ્ડી અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ લીધી હતી.