SRH vs RR: સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવ્યું છે. આ સાથે SRH IPL 2024 ની ફાઇનલમાં પહોંચી ગયું છે અને 26 મેના રોજ તે ટાઇટલ મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે પહેલા રમતા 175 રન બનાવ્યા હતા. હેનરિચ ક્લાસને અડધી સદી ફટકારી હતી, જ્યારે રાહુલ ત્રિપાઠીએ 15 બોલમાં 37 રનની ઇનિંગ રમીને SRHને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. જ્યારે રાજસ્થાનની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે યશસ્વી જયસ્વાલ સિવાય ટીમની આખી બેટિંગ લાઇન અપ સંઘર્ષ કરતી જોવા મળી હતી. જયસ્વાલે 21 બોલમાં 42 રન બનાવ્યા અને આ ઈનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ખાસ કરીને શાહબાઝ અહેમદે મધ્ય ઓવરોમાં 3 મહત્વની વિકેટ લઈને મેચને પલટી નાખી હતી. 


176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 24 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટોમ કોહલર કેડમોર 16 બોલમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો. પાવરપ્લેના અંત સુધીમાં આરઆરએ એક વિકેટના નુકસાને 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસન વચ્ચે 41 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આઠમી ઓવરમાં જયસ્વાલ 42 રનના સ્કોર પર અબ્દુલ સમદના હાથે કેચ આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં સેમસન પણ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 


રાજસ્થાનનો સ્કોર 10 ઓવરમાં 3 વિકેટે 73 રન હતો.15 ઓવરમાં આરઆરએ 6 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા અને ટીમને જીતવા માટે હજુ 74 રનની જરૂર હતી. આગામી 2 ઓવરમાં 21 રન આવ્યા, પરંતુ 18મી ઓવરમાં SRHની જીત લગભગ નિશ્ચિત હતી. ટી નટરાજને રોવમેન પોવેલને 6 રન પર આઉટ કર્યો હતો, પરંતુ ધ્રુવ જુરેલ હજુ પણ ક્રિઝ પર હતો. 19મી ઓવરમાં 10 રન આવ્યા, જેના કારણે રાજસ્થાન માટે છેલ્લા 6 બોલમાં 42 રન બનાવવા અશક્ય હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરઆર માત્ર 139 રન બનાવી શકી હતી. આ સાથે SRHનો 36 રને વિજય થયો છે.


અભિષેક શર્મા બેટથી નહીં બોલથી કમાલ કરી


આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી અભિષેક શર્માએ બેટ વડે 5 બોલમાં 12 રન બનાવ્યા અને SRHની ઈનિંગની પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો. પરંતુ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે સ્પેલની એક-બે નહીં પરંતુ ચાર ઓવર ફેંકી હતી. અભિષેકે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને બે મહત્વની વિકેટ લીધી હતી. પહેલા તેણે સંજુ સેમસનને 10 રનના સ્કોર પર એડન માર્કરામના હાથે કેચ કરાવ્યો અને પછી તેણે માત્ર 4 રનના સ્કોર પર શિમરોન હેટમાયરને કેચ કરાવ્યો.


26મી મેના રોજ KKR સામે ફાઇનલ


કોલકાતા નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર 1માં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને IPL 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. SRH પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હોવાથી, તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળી. હવે બીજી ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને હરાવીને ટાઇટલની ટક્કરમાં જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ફાઇનલ મેચ 26 મેના રોજ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે.