Surya Kumar Yadav IPL 2024 Update: સૂર્યકુમાર યાદવને IPL 2024 માટે મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમ સાથે જોડાતો જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે સૂર્યા 7 એપ્રિલ (રવિવાર)ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર મેચમાંથી IPLમાં વાપસી કરી શકે છે. આ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.


સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં મુંબઈની હાલત કફોડી જોવા મળી રહી છે. 5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ટૂર્નામેન્ટમાં હારની હેટ્રિક લગાવી છે. દિલ્હી સામેની મેચ વાનખેડે ખાતે રમાવાની હોવાથી સૂર્યા ઘરઆંગણે દર્શકોમાં પુનરાગમન કરે તેવી સંભાવના છે. જો સૂર્યા 7 એપ્રિલે રમે છે, તો તે હાર્દિક પંડ્યા માટે મોટી રાહત હશે, જે આ સિઝનમાં અંબાણીની માલિકીની ટીમનો સુકાની છે.






મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે - જેની અમે રાહ જોઈ રહ્યા હતા તે સૂર્યા દાદા આવી ગયા છે. આ વીડિયોમાં તે મર્સિડીઝ કારમાં હોટલમાં આવતો જોવા મળી રહ્યો છે. સૂર્યા સફેદ રંગની ટી-શર્ટ, વાદળી જીન્સ અને  ચશ્મા પહેરેલા જોવા મળે છે. સૂર્યા જે રીતે ચાલતો જોવા મળ્યો હતો તે જોઈને લાગે છે કે તે એકદમ ફિટ છે.


વર્લ્ડ નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં જ હર્નિયાની સર્જરી કરાવી હતી. આ પછી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ હવે તે ફિટ છે. સૂર્યા વિશે પહેલાથી જ અપડેટ હતું કે તે IPLની પ્રથમ બે મેચ રમી શકશે નહીં. સર્જરી બાદ સૂર્યા સતત તેના સ્વાસ્થ્યને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો હતો. આઈપીએલ મેચોમાં સૂર્યાનો રેકોર્ડ શાનદાર છે. તેણે 139 મેચમાં 32.17ની એવરેજ અને 143.32ની સ્ટ્રાઈક રેટથી 3249 રન બનાવ્યા છે.


સૂર્યા ભારતના T20 સેટઅપમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે, તેના નામે ચાર T20I સદીઓ છે. તે આ ફોર્મેટમાં નંબર 1 બેટ્સમેન છે, તેણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં કેપ્ટનશીપ સંભાળી હતી. બંને શ્રેણી ભારતીય ટીમે જીતી હતી. સૂર્યાએ 60 T20 મેચોમાં 171 થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે 2,141 રન બનાવ્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતની મોટાભાગની તકો સૂર્યા કેવી રીતે રમે છે તેના પર નિર્ભર રહેશે. સૂર્યા છેલ્લે દક્ષિણ આફ્રિકામાં રમતા જોવા મળ્યો હતો, જ્યાં તેણે ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી.