IPL 2023: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઇટ રાઇડર્સે 81 રનથી હરાવ્યું હતું. કોલકત્તા નાઇટ રાઇડર્સે જીતવા માટે 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17.4 ઓવરમાં માત્ર 123 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે કોલકાતા નાઈટ રાઈડર્સે મેચ 81 રને જીતી લીધી હતી. 






KKRના ત્રણ મિસ્ટ્રી સ્પિનરોએ 9 વિકેટ લઈને RCBને 81 રનથી હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. KKRના કેપ્ટન નીતિશ રાણાએ વેંકટેશ ઐય્યરને બદલે યુવા સુયશ શર્માને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પસંદ કર્યો હતો. 19 વર્ષના સુયશ શર્માની આ પહેલી IPL મેચ હતી જેમાં તેણે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે એન્ટ્રી લીધી હતી અને પોતાની પ્રથમ મેચમાં જ 3 વિકેટ લઈને RCBને હાર આપી હતી. સુયશે તેની 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ યુવા મિસ્ટ્રી સ્પિનરે પોતાની ડેબ્યૂ મેચમાં દિનેશ કાર્તિક, અનુજ રાવત અને કર્ણ શર્માને આઉટ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. RCB અને KKRની આ મેચમાં કોલકાતાના ઈમ્પેક્ટ પ્લેયર સુયશ શર્માએ બેંગ્લોરના ઈમ્પેક્ટ પ્લેયર અનુજ રાવતને આઉટ કરીને પોતાની IPL કરિયરની ડેબ્યૂ વિકેટ લીધી હતી.


સ્પિનરોએ 9 વિકેટ ઝડપી હતી.


ડિસેમ્બર 2022માં યોજાયેલી હરાજી દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે આ યુવા લેગ-સ્પિન બોલરને માત્ર 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે પોતાની પ્રથમ મેચમાં 3 વિકેટ લઈને આ ખેલાડીએ બતાવ્યું છે કે તે કોઈપણ મેચમાં કેટલી મોટી અસર કરી શકે છે. આ મેચમાં KKRના ત્રણ સ્પિનરોએ મળીને RCBના 9 બેટ્સમેનોને આઉટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 4, સુયશે 3 અને સુનીલ નારાયણે 2 વિકેટ લીધી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરને માત્ર એક જ વિકેટ મળી હતી.


જોકે શાર્દુલે બેટિંગ દરમિયાન માત્ર 29 બોલમાં 68 રન બનાવીને KKRને 200 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી. KKRએ 20 ઓવરમાં 204 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા આરસીબીએ શરૂઆતમાં કેટલાક સારા શોટ લગાવ્યા, પરંતુ તે પછી કેકેઆરના મિસ્ટ્રી સ્પિનરો સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને સુયશ શર્મા સામે એક પણ બેટ્સમેન ટકી શક્યો નહોતો અને 17.4 ઓવરમાં આરસીબીની આખી ટીમ માત્ર 123 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.