Kieron Pollard Retirement: વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કેરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જો કે તે હજુ પણ લીગ ક્રિકેટનો ભાગ બની રહેશે. પોલાર્ડે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી છે. કેરોન પોલાર્ડે કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ દરમિયાન તેણે કોચ ફિલ સિમન્સ અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના અધ્યક્ષની પ્રશંસા કરી હતી.


'કોચ અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનો આભાર'
પોલાર્ડે સોશિયલ મીડિયા પર પોતાના સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પોલાર્ડે આ પોસ્ટમાં લખ્યું કે, 'હું તમામ સિલેક્ટર્સ, મેનેજમેન્ટ અને ખાસ કરીને કોચ ફિલ સિમોન્સનો આભાર માનું છું કે તેમણે મારામાં રહેલી ક્ષમતા જોઈ અને મારી કારકિર્દી દરમિયાન મારામાં વિશ્વાસ બતાવ્યો. આ સમય દરમિયાન ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે મારામાં જે આત્મવિશ્વાસ બતાવ્યો તે સારો હતો, કારણ કે મેં ટીમની કેપ્ટનશીપ કરવાનો નિર્ણય લીધો હતો.


આ સિવાય તેણે CWIના પ્રમુખ રિકી સ્કેરિટનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મારા કેપ્ટન તરીકેના સમયમાં તેણે મને સતત સપોર્ટ કર્યો હતો. આ માટે હું તેમનો આભાર માનવા માંગુ છું.


2007માં પોલાર્ડે દક્ષિણ આફ્રિકા સામેની મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 20 ફેબ્રુઆરીએ ભારત સામે રમી હતી. ચાલો જાણીએ પોલાર્ડના નામે કયા-કયા મોટા રેકોર્ડ છે.


પોલાર્ડના નામે આ મોટા રેકોર્ડ નોંધાયા છેઃ
1. T20 ક્રિકેટમાં પોલાર્ડ એકમાત્ર એવો ખેલાડી છે જેણે 10000થી વધુ રન અને 300 વિકેટ ઝડપી હોય.
2. પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે 100 T20 મેચ રમી છે.
3. પોલાર્ડ T20I માં વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેન પણ છે.
4. પોલાર્ડ ટી20માં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી પણ છે.
આ સિવાય તે T20 ક્રિકેટમાં આ 6 સિક્સર મારનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. તેણે આ કારનામું શ્રીલંકા સામે કર્યું હતું. તેના સિવાય આ કારનામું યુવરાજ સિંહે કરી બતાવ્યુ હતું.