- તિલક વર્માએ માત્ર 45 બોલમાં સદી ફટકારી મુંબઈ ઈન્ડિયન્સ માટે સનથ જયસૂર્યાના 18 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી.
- શરૂઆતમાં 22 બોલમાં માત્ર 19 રન બનાવનાર તિલકે ત્યારબાદના 23 બોલમાં 82 રન ઝૂડી કાઢ્યા હતા.
- તે હવે જયસૂર્યા (45 બોલ) સાથે સંયુક્ત રીતે મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
- તિલકની વિસ્ફોટક બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ 6 ઓવરમાં 98 રનનો જંગી સ્કોર બનાવ્યો.
- એક તરફ તિલકનું તોફાન હતું, તો બીજી તરફ કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી ફ્લોપ રહ્યો અને 16 બોલમાં માત્ર 15 રન કરી શક્યો.
Tilak Varma fastest century MI: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના યુવા બેટ્સમેન તિલક વર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસ રચી દીધો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તિલકે માત્ર 45 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરીને 18 વર્ષ જૂના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મુંબઈની શરૂઆત ખરાબ રહી હોવા છતાં, તિલકના આ તોફાનને કારણે ટીમે છેલ્લી ઓવરોમાં જંગી સ્કોર ખડકી દીધો હતો, જ્યારે બીજી તરફ કેપ્ટન હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ હજુ પણ યથાવત જોવા મળ્યું હતું.
સનથ જયસૂર્યાના રેકોર્ડની બરાબરી
તિલક વર્માએ પોતાની IPL કરિયરની આ પહેલી સદી ગુજરાત ટાઇટન્સ સામે ફટકારી છે. તેણે ઇનિંગના છેક છેલ્લા બોલ પર શાનદાર ચોગ્ગો લગાવીને માત્ર 45 બોલમાં 101 રન પૂરા કર્યા હતા. આ સાથે જ તેણે મુંબઈ ઈન્ડિયન્સ વતી સૌથી ઝડપી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ પહેલા છેક 2008 માં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યાએ મુંબઈ માટે 45 બોલમાં સદી ફટકારી હતી. 18 વર્ષ બાદ હવે તિલક વર્માએ આ મોટું કારનામું કરી બતાવ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીની સૌથી ઝડપી સદી:
45 બોલ - તિલક વર્મા
45 બોલ - સનથ જયસૂર્યા
47 બોલ - કેમેરોન ગ્રીન
49 બોલ - સૂર્યકુમાર યાદવ
22 બોલમાં 19 રન અને પછી 23 બોલમાં 82 રન!
આ મેચમાં મુંબઈની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી. ટીમે માત્ર 44 રનના સ્કોર પર જ પોતાની 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતમાં તિલક વર્માએ પણ સાવચેતીથી બેટિંગ કરી અને ક્રીઝ પર સેટ થવામાં થોડો સમય લીધો. એક સમયે તે 22 બોલ રમીને માત્ર 19 રન પર હતો. પરંતુ ત્યારબાદ તેણે એવો ગિયર બદલ્યો કે બોલરોના હોશ ઉડી ગયા. તેણે પછીના 23 બોલમાં જ 82 રન ઝૂડી કાઢ્યા!
14 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 103 રન હતો, પણ તિલકની આ વિસ્ફોટક ઈનિંગના પ્રતાપે ટીમે છેલ્લી 6 ઓવરમાં 98 રન બોર્ડ પર લગાવી દીધા હતા. બીજી તરફ, કેપ્ટન હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ આ મેચમાં પણ ચાલુ રહ્યું હતું. 13મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા હાર્દિકે 16 બોલ બગાડ્યા અને તે માત્ર 15 રન જ બનાવી શક્યો હતો.
