• વિરાટ કોહલીએ કોઈ એક ટીમ સામે સૌથી વધુ રનનો રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો.
  • કોહલીના CSK સામે 1174 રન થયા, જ્યારે રોહિતના KKR સામે 1161 રન હતા.
  • IPL 2026માં ચેન્નઈ સામેની મેચમાં 28 રન બનાવીને આ ઐતિહાસિક પરાક્રમ કર્યું.

Virat Kohli: IPL 2026 ની રોમાંચક મેચો વચ્ચે 'કિંગ' વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલી સીઝનની 11મી મેચમાં ભલે વિરાટે મોટી સદી ન ફટકારી હોય, પરંતુ પોતાની ટૂંકી ઇનિંગથી તેણે 'હિટમેન' રોહિત શર્માનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી હવે IPL ના ઈતિહાસમાં કોઈ એક જ હરીફ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર નંબર વન બેટ્સમેન બની ગયો છે.

કેવી રહી વિરાટની આ રેકોર્ડબ્રેક ઇનિંગ?

ચેન્નઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાં વિરાટ એકદમ આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. તેણે માત્ર 18 બોલમાં જ 28 રનની જોરદાર ઇનિંગ રમી નાખી હતી. આ નાની પણ ઉપયોગી ઇનિંગ દરમિયાન તેના બેટમાંથી 2 શાનદાર ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગો જોવા મળ્યો હતો. જોકે, તે પોતાની આ સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ન બદલી શક્યો અને અંશુલ કંબોજના એક શાનદાર બોલનો શિકાર બનીને કેચ આઉટ થયો હતો. પણ પેવેલિયન પરત ફરતા પહેલા તે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી ચૂક્યો હતો.

ચેન્નઈ સામે કિંગ કોહલીના આંકડા છે જબરદસ્ત

વિરાટ કોહલી આમ પણ IPL ના ઓવરઓલ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર કિંગ તો છે જ, પણ હવે તે કોઈ એક જ ફ્રેન્ચાઈઝી સામે રનનો પહાડ ઊભો કરવામાં પણ સૌથી આગળ છે. કોહલીએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે અત્યાર સુધીમાં કુલ 36 મેચ રમી છે, જેમાં તેણે 1174 રન ઝૂડી કાઢ્યા છે. આ દરમિયાન તેણે CSK ના બોલરોની બરાબરની ધોલાઈ કરીને 10 શાનદાર અડધી સદી પણ ફટાકારી છે.

હિટમેનને છોડ્યો પાછળ

વિરાટના આ ઐતિહાસિક પરાક્રમ પહેલા આ ખાસ રેકોર્ડ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામે હતો. રોહિત શર્માએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે અત્યાર સુધીમાં 36 મેચ રમીને 1161 રન બનાવ્યા છે. KKR સામે રોહિતના નામે 1 સદી અને 7 અડધી સદી પણ નોંધાયેલી છે. પરંતુ હવે 1174 રન સાથે વિરાટ કોહલીએ આ યાદીમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.