Virat Kohli Record: IPL 2024ની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુંના ભૂતપૂર્વ કેપ્ટને 44 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 70* રન બનાવ્યા હતા. હવે આ અણનમ ઇનિંગ સાથે વિરાટ કોહલીએ બેંગલુરુંના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.


વાસ્તવમાં, ગુજરાત વિરૂદ્ધ રમાયેલી મેચમાં કોહલીએ એબી ડી વિલિયર્સને સિક્સર ફટકારવાની બાબતમાં પછાડ્યો હતો. કોહલીએ હવે IPLમાં 254 સિક્સર ફટકરી છે. ડી વિલિયર્સે તેની IPL કરિયરમાં 251 સિક્સર ફટકારી હતી. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા 275 છગ્ગા સાથે બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં કોહલી તેનો રેકોર્ડ પણ તોડી શકે છે. આ યાદીમાં ક્રિસ ગેલ નંબર વન પર છે. ગેલે તેની IPL કરિયરમાં 357 સિક્સર ફટકારી છે.


આઇપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનો 
ક્રિસ ગેઇલ- 357 છગ્ગા
રોહિત શર્મા- 275 છગ્ગા
વિરાટ કોહલી- 254 છગ્ગા
એબી ડી વિલિયર્સ- 251 છગ્ગા
એમએસ ધોની- 247 છગ્ગા


આઇપીએલ 2024માં પુરા કર્યા વિરાટ કોહલીએ 500 રન 
વિરાટ કોહલીએ IPL 2024માં 500 રન પૂરા કર્યા છે. આ સિઝનમાં આ આંકડો સ્પર્શનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો છે. સૌથી વધુ રન બનાવ્યા બાદ કોહલી આ સિઝનમાં કન્ટીન્યૂ ઓરેન્જ કેપ પહેરી રહ્યો છે. અત્યાર સુધી કિંગ કોહલીએ 10 મેચની 10 ઇનિંગ્સમાં 71.43ની એવરેજ અને 147.49ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 500 રન બનાવ્યા છે.


આરસીબીની હાલત ખરાબ 
ગુજરાત સામેની મેચ જીત્યા બાદ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુંની ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે. બેંગલુરુએ અત્યાર સુધી સિઝનમાં 10 મેચ રમી છે, જેમાં તેણે માત્ર 3 જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચમાં RCBએ પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. ટીમના 6 પોઈન્ટ છે અને નેટ રન રેટ -0.415 છે. જોકે, ટીમ હજુ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ.