Sanju Samson: અત્યારે ભારતમાં આઇપીએલ ટૂર્નામેન્ટ ચાલી રહી છે, આ બધાની વચ્ચે હવે એક મોટુ અપડેટ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024ને લઇને સામે આવ્યુ છે. આગામી જૂન મહિનાથી અમેરિકા અને કેરેબિયન દેશોમાં રમાનારા ટી20 વર્લ્ડકપ 2024ને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલુ થઇ છે. IPL ફાઈનલના પાંચ દિવસ બાદ એટલે કે 1 જૂનથી T20 વર્લ્ડકપ શરૂ થશે. હવે વર્લ્ડકપને લઈને અપડેટમાં કહેવામાં આવ્યું છે કે સંજૂ સેમસન ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી બની શકે છે.
મુખ્યત્વે સંજૂ સેમસન, ઋષભ પંત અને કેએલ રાહુલ વિકેટકીપરની રેસમાં સામેલ છે. જોકે, હાલમાં 'ESPNcricinfo' દ્વારા પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પસંદગી સમિતિ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસનને T20 વર્લ્ડકપ માટે પ્રથમ પસંદગી તરીકે વિચારી રહી છે. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત આ રેસમાં બીજા સ્થાને આવી શકે છે. વર્તમાન સિઝનમાં પંત પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
રન બનાવવાની રેસમાં સંજૂ સેમસન સૌથી ઉપર
ભારતીય વિકેટકીપર તરીકે સંજૂ સેમસન IPL 2024માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે. સંજૂ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં ચોથા ક્રમે છે. અત્યાર સુધીમાં તેણે 9 ઇનિંગ્સમાં 77.00ની એવરેજ અને 161.09ની શાનદાર સ્ટ્રાઇક રેટથી 385 રન બનાવ્યા છે. આ યાદીમાં કેએલ રાહુલ 378 રન સાથે પાંચમા અને ઋષભ પંત 371 રન સાથે છઠ્ઠા સ્થાને છે. સંજૂ અને રાહુલે 9-9 ઇનિંગ્સ રમી છે જ્યારે પંતે 10 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. જો કે પસંદગી અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાના ટૉપ -4 ખેલાડીઓ
ESPNcricinfoના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમના ટોપ-4 ખેલાડી બની શકે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે શુભમન ગિલ T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે. આ તમામ બાબતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.