Virat Kohli & Rajkumar Sharma Viral Video: દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં  રમાઇ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ પહેલાનો છે.






વિરાટ કોહલીએ પોતાના કોચ રાજકુમાર શર્માના ચરણ સ્પર્શ કર્યા


આ વાયરલ વીડિયોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ખેલાડી વિરાટ કોહલી તેના બાળપણના કોચ રાજકુમાર શર્માના ચરણ સ્પર્શ કરી રહ્યો છે. વાસ્તવમાં, દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા વિરાટ કોહલી સહિત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તે સમયે રાજકુમાર શર્મા સ્ટેડિયમમાં હાજર હતા. જોકે, જ્યારે વિરાટ કોહલીની નજર તેના બાળપણના કોચ પર પડતા તે તેમની પાસે ગયો હતો. સાથે જ કોહલીએ કોચના ચરણ સ્પર્શ કરીને આદર વ્યક્ત કર્યો હતો.


રાજકુમાર શર્મા વિરાટ કોહલીના બાળપણના કોચ


હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સતત વિરાટ કોહલીના વખાણ કરી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકુમાર શર્મા વિરાટ કોહલીના બાળપણના કોચ રહી ચૂક્યા છે. રાજકુમાર શર્માએ વિરાટ કોહલીને ક્રિકેટનું પ્રારંભિક શિક્ષણ આપ્યું છે. આ જ કારણ છે કે જ્યારે પણ વિરાટ કોહલી તેના બાળપણના કોચને મળે છે ત્યારે તેના પગ સ્પર્શ કરવાનું ભૂલતા નથી.


DC vs RCB: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, IPLમાં 7000 રન ફટકારનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો


DC vs RCB, Virat Kohli, Royal Challengers Bangalore: IPL 2023 ની 50મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી અને ડુ પ્લેસિસે પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.


દિલ્હી તરફથી અક્ષર પટેલે બીજી ઓવર કરી હતી. આ ઓવરના પાંચમા બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો અને તેના 12 રન પૂરા થયા હતા.  વિરાટ કોહલીએ મેચમાં 12 રન બનાવતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. તે IPLના ઈતિહાસમાં 7000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા કોહલીએ IPLમાં 232 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 224 ઇનિંગ્સમાં 36.59ની એવરેજ અને 129.58ની સ્ટ્રાઇક રેટથી 6,988 રન બનાવ્યા હતા. કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 5 સદી અને 49 અડધી સદી ફટકારી છે.


અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન


વિરાટ કોહલી IPL 2023માં 9 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 9 ઇનિંગ્સમાં 45.50ની એવરેજ અને 137.88ની સ્ટ્રાઇક રેટથી 364 રન બનાવ્યા હતા. તે ઓરેન્જ કેપની રેસમાં યથાવત છે. વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ યાદીમાં બીજા નંબર પર શિખર ધવન છે જેણે 212 ઇનિંગ્સમાં 6536 રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબરે ડેવિડ વોર્નર, ચોથા નંબરે રોહિત શર્મા અને પાંચમા નંબરે સુરેશ રૈના છે.