Smriti Mandhana WPL 2024: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2024નું ટાઈટલ જીતી લીધું છે. ફાઇનલમાં RCBએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 113 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. RCBની જીત બાદ કેપ્ટન સ્મૃતિ મંધાના બૉલિવૂડ સંગીતકાર પલાશ મુચ્છલ સાથે જોવા મળી હતી. પલાશે સ્મૃતિ સાથેની તસવીર પણ શેર કરી છે. સ્મૃતિ અને પલાશ પહેલા પણ ઘણાબધી જગ્યાએ સાથે જોવા મળ્યા છે.




વાસ્તવમાં પલાશે ઇન્સ્ટાગ્રામ પર સ્મૃતિ સાથેની એક તસવીર શેર કરી છે. તે સ્મૃતિના ખભા પર હાથ મૂકતો જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડી હરલીન દેઓલે આ ફોટો પર કૉમેન્ટ કરી છે. હરલીનની સાથે અન્ય ક્રિકેટરોએ પણ કોમેન્ટ કરી છે. સ્મૃતિનું નામ ઘણા સમયથી પલાશ સાથે જોડાયેલું છે. પલાશે લાઈવ કોન્સર્ટમાં સ્મૃતિને એક ગીત પણ સમર્પિત કર્યું હતું. આ સાથે તેણે પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો હતો. જો કે સ્મૃતિએ આ અંગે કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.






નોંધનીય છે કે મહિલા પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચ RCB અને દિલ્હી વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. RCB માટે સ્મૃતિ મંધાનાએ 39 બોલનો સામનો કરીને 31 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. એલિસ પેરીએ 37 બોલનો સામનો કરીને 35 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. સોફિયા ડિવાઈને 32 રનની ઈનિંગ રમી હતી. રિચા ઘોષે અણનમ 17 રન બનાવ્યા હતા.


ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો એલિસ પેરી ટોપ પર છે. તેણે 9 મેચમાં 347 રન બનાવ્યા છે. મેગ લેનિંગ બીજા નંબર પર છે. તેણે 9 મેચમાં 331 રન બનાવ્યા છે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હીને હરાવીને વુમન્સ પ્રીમિયર લીગનું ટાઈટલનું જીત્યું - 


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રવિવારે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આરસીબીનું આ પહેલું ટાઈટલ છે. બેંગ્લોરની પુરુષ ટીમ ક્યારેય IPL ટ્રોફી જીતી શકી નથી, પરંતુ WPLની બીજી સિઝનમાં મહિલા ટીમ વિજયી બની હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે, સોફી ડિવાઇન અને સ્મૃતિ મંધાનાએ આરસીબીને સારી શરૂઆત અપાવી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 49 રન જોડ્યા હતા. આ ભાગીદારી શિખા પાંડેએ 32 રન બનાવીને ડિવાઈનને આઉટ કરીને તોડી હતી. આ પછી કેપ્ટન મંધાનાએ ઇનિંગ સંભાળી હતી, પરંતુ મિનુ મણીએ તેને 31 રનના સ્કોર પર પેવેલિયન મોકલી દીધી હતી. ત્યારબાદ એલિસ પેરી અને રિચા ઘોષે છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી.


દિલ્હીએ 113 રન બનાવ્યા હતા
WPLની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રેયંકા પાટિલ અને મોલિનેક્સની શાનદાર બોલિંગના કારણે RCBએ દિલ્હીની ઇનિંગ્સને 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હીની ટીમને શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ આક્રમક રીતે રમીને આરસીબીના બોલરો પર દબાણ બનાવ્યું હતું, પરંતુ આઠમી ઓવર નાખવા આવેલા ડાબોડી સ્પિનર ​​મોલિનેક્સે આ ઓવરમાં શેફાલી, કેપ્સી અને જેમિમાહને આઉટ કરીને દિલ્હીની ઇનિંગ્સને મોટો આંચકો આપ્યો. આ પછી શ્રેયંકા પાટીલે દિલ્હીના બેટ્સમેનોને સ્થિર થવાની તક આપી ન હતી. દિલ્હીની બેટિંગ એટલી ખરાબ હતી કે એક સમયે કોઈ પણ નુકશાન વિના 64 રન બનાવનારી ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 113 રન પર સમેટાઈ ગઈ હતી. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે ચાર, મોલિનેક્સે ત્રણ અને આશાએ બે વિકેટ લીધી હતી. રસપ્રદ વાત એ છે કે નવ વિકેટ આરસીબીના સ્પિનરોએ લીધી હતી જ્યારે રાધા યાદવ રનઆઉટ થઈ હતી.


દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, તાનિયા ભાટિયા (વિકેટકીપર), મેરિઝાન કેપ્પ, શિખા પાંડે, જેસ જોનાસન, અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, મિનુ મણિ.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના (કેપ્ટન), એસ મેઘના, એલિસ પેરી, સોફી ડિવાઇન, રિચા ઘોષ (વિકેટકીપર), જ્યોર્જિયા વેરહેમ, દિશા કસાટ, સોફી મોલિન્યુક્સ, શ્રેયંકા પાટિલ, શોભના આશા, રેણુકા સિંહ.