Womens IPL Auction 2023: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં એક બાદ એક ખેલાડી કરોડપતિ બની રહી છે. પહેલા સ્મૃતિ અને હરમન બાદ હવે ઓસ્ટ્રલીયાની અશ્લે ગાર્ડનર કરોડપતિ બની ગઈ છે. અશ્લે ગાર્ડનરને ગુજરાત ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડમાં ખરીદી છે. તમને જણાવી દઈએ કે, અશ્લે ગાર્ડનની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા હતી.
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ 5 ફ્રેન્ચાઈઝી ભાગ લેવા જઈ રહી છે, જેમાં કુલ 22 મેચો રમાશે. પ્રથમ એડિશનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ અને લખનઉની ટીમો રમતી જોવા મળશે. વિમેન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બપોરે 2:30 વાગ્યે યોજાશે.
હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે કુલ 1525 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા, ત્યારબાદ 409 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી, જ્યાં 202 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી ચૂક્યા છે, ત્યાં 199 ખેલાડીઓ એવા છે જેમણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તમામ ફ્રેન્ચાઈઝીઓને 12 કરોડ રૂપિયાની પર્સ વેલ્યુ આપવામાં આવી છે, જેમાં તેણે પોતાની ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓને સામેલ કરવા પડશે.
આ હરાજીમાં ઓલરાઉન્ડરોની સંખ્યા સૌથી વધુ છે. ભારતના 127 ઓલરાઉન્ડર અને 73 વિદેશથી આ હરાજીમાં ભાગ લેશે. આ પછી બોલરોનો નંબર આવે છે. ભારતના 51 બોલરો અને વિદેશના 42 બોલરોને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બેટ્સમેનોમાં ભારતના 42 ખેલાડીઓ અને વિદેશના 29 ખેલાડીઓ અને વિકેટકીપર્સમાં ભારતના 26 અને વિદેશના 19 ખેલાડીઓનું નામ હરાજીની યાદીમાં છે.