નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ઈશાંત શર્મા ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, પગની ઘૂંટીમાં ઈજાને કારણે ઈશાંત શર્મા બીજી ટેસ્ટમાં રમી નહીં શકે. ઈશાંત શર્માને આ ઈજા બે મહિના પહેલા રણજી મેચમાં રમતા લાગી હતી. જોકે ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી હતી. ઈશાંત શર્માની જગ્યાએ ટીમમાં ઉમેશ યાદવને તક આપવામાં આવી છે.


મીડિયા રિપોર્ટ્સમાં અનુસાર ગુરુવારે ઈશાંત શર્માએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. શુક્રવારે સવારે તેને કેટલાક ટેસ્ટ કરાવવા માટે મોકલવામાં આવ્યા. જોકે હજુ સુધી રિપોર્ટ્સ આવ્યા નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે ઈશાંત શર્મા બીજી ટેસ્ટમાં રમશે નહીં.

સીરીઝમાં પહેલા જ 1-0થી પાછળ ચાલી રહેલ ટીમ ઇન્ડિયા માટે ઈશાંત શર્માનું બહાર થવું મોટો ઝાટકો છે. પહેલા ટેસ્ટમાં ઈશાંત શર્માએ શાનદાર બોલિંગ કરતાં 68 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ટીમ મેનેજમેન્ટ ઈશાંત શર્માની ઇજાને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માગતું. માટે બીજી ટેસ્ટમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

ઉમેશ યાદવની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડની જમીન પર કોઈપણ ટેસ્ટ મેચ રમી નથી. ડિસેમ્બર 2018માં ઉમેશ યાદવે વિદેશી જમીન પર ઉતર્યો હતો. જોકે ઇન્ડિયામાં રમતા ઉમેશ યાદવ ટીમનો હિસ્સો હોય છે. છેલ્લા કેટલાક સમયથી ઉમેશ યાદવ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેણે બુમરાહની ગેરહાજરીમાં ચાર ટેસ્ટ રમતા 23 વિકેટ લીદી છે. જોકે વિદેશમાં રમાયેલ 17 ટેસ્ટમાં ઉમેશ યાદવે 46 વિકેટ લીધી છે.