નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગ ભારતીય મહિલા ટીમની બેટ્સવૂમન શેફાલી વર્માની બેટિંગ જોઇને ગદગદ થઇ ગયો છે. સહેવાગે શેફાલીની આક્રમક બેટિંગ જોઇને તેને રૉકસ્ટાર નામ આપી દીધુ છે, આ વાત ખુદ તેને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ટીમની ઓપનર બેટ્સવૂમન શેફાલી માત્ર 16 વર્ષની જ છે, પણ તેની બેટિંગ ભલાભલાને ચોંકાવી દે તેવી છે. હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા મહિલી ટી20 વર્લ્ડકપમાં શેફાલી ફૂલફોર્મમાં આક્રમક બેટિંગ કરી રહી છે. અને તેની બેટિંગના કારણે ભારતીય ટીમ ત્રણ મેચો જીતીને ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે.



શેફાલીની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં બેટિંગ જોઇને સહેવાગે એક ટ્વીટ કર્યુ હતુ, લખ્યુ કે, શેફાલી વર્મા રૉકસ્ટાર છે, આનંદ આવી રહ્યો છે છોકરીઓનુ પરફોર્મન્સ જોઇને........


ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 3 મેચો રમી છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમોને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી દીધો છે. મહિલા ક્રિકેટરની આક્રમક બેટિંગ જોઇને હવે ક્રિકેટ ફેન્સ તેને ટીમ ઇન્ડિયાની બીજી સહેવાગ ગણાવી રહ્યાં છે.



ભારતીય ઓપનર શેફાલી વર્મા હાલ ટી20 વર્લ્ડકપમાં સરસ પ્રદર્શન કરી રહી છે. ઓસ્ટ્રેલિયા સામે 14 બૉલમાં 29 રન, બાંગ્લાદેશ સામે 16 બૉલમાં 39 રન અને ત્રીજી મેચમાં 46 રનની આક્રમક ઇનિંગ રમી હતી. શેફાલીની આ ત્રણેય ઇનિંગ્સના સહારે ભારતીય ટીમે આસાનીથી સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.