નવી દિલ્હી: ઈંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટ શ્રીલંકા વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી. આ પહેલા પ્રથમ ટેસ્ટમાં પણ તેને બેવડી સદી નોંધાવી હતી અને ટીમની જીત માટે મોટી ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા સામે સદી નોંધાવતાની સાથે જે જો રૂટે ટેસ્ટ કેરિયરમાં પોતાની 19મી સદી પૂરી કરી છે.


જૉ રૂટે આ સદીના દમ પર એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તે દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે જેમણે વિદેશી કેપ્ટન તરીકે શ્રીલંકામાં ટેસ્ટમાં સૌથી વધુ સદી નોંધાવી છે. રૂટે ટેસ્ટ કેપ્ટન તરીકે શ્રીલંકામાં પોતાની ત્રીજી સદી નોંધાવી હતી અને વિરાટ કોહલી, સચિન તેંડુલકર તથા સ્ટીફન ફ્લેમિંગને પાછળ પાડી દીધા છે. વિરાટ-સચિન અને ફ્લેમિંગે કેપ્ટન તરીકે શ્રીલંકામાં ટેસ્ટમાં બે -બે સદી નોંધાવી છે. હવે જો રૂટે ત્રણેય દિગ્ગજોને પછાડી આ નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ઇંગ્લેન્ડની શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે લંચ સુધી ચાર વિકેટે 181 રન બનાવ્યા. શ્રીલંકાએ પોતાની પહેલી ઇનિંગમાં 381 રન બનાવ્યા હતા, અને આ રીતે ઇંગ્લેન્ડ હજુ તેનાથી 200 રન દુર છે.

લંચ સમય સુધી જો રૂટ 105 રન રમી રહ્યો હતો, તેને અત્યારુ સુધી 153 બૉલો રમ્યા અને 14 ચોગ્ગા ફટકાર્યા છે. તેની સાથે બીજા છેડે જૉસ બટલર 30 રન બનાવીને રમી રહ્યો છે. આ બન્નેએ પાંચમી વિકેટ માટે હજુ સુધી 49 રન જોડી દીધા છે.