દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ ટેસ્ટ ક્રિકેટમા એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રબાડા ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનાર દક્ષિણ આફ્રિકાનો આઠમો બોલર બની ગયો છે. રબાડાએ પાકિસ્તાન વિરુદ્ધ બે મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. રબાડાએ હસન અલીની વિકેટ લેતાની સાથેજ આ રેકોર્ડ બનાવી દીધો છે.
25 વર્ષીય રબાડાએ 200 ટેસ્ટ વિકેટનો રેકોર્ડ બનાવા માટે માત્ર 44 મેચ રમી છે. આ પ્રમાણે રબાડા સૌથી ઝડપી આ મુકામ પર પહોંચનાર દક્ષિણ આફ્રિકી બોલર બની ગયો છે.
અનુભવી ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ લીધી છે. સ્ટેનના નામે 93 મેચોમાં 439 વિકેટ છે. તેના બાદ શોન પોલોક(421) , મખાયા નતિની (390), એલેન ડોનાલ્ડ (330), મોર્ને મોર્કલ (309), જેક કેલિસ (291) અને વર્નોન ફિલેન્ડર (224) છે.
રબાડાના નામે 117 વનડે અને 31 ટી20 વિકેટ પણ છે. જેના માટે તેણે ક્રમશ: 75 અને 26 મેચ રમી છે. શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 800 વિકેટ લેવાનો રેકોર્ડ છે.