લોહારઃ આઇસીસી વર્લ્ડકપમાં ભારત સામે મળેલી કારમી હાર બાદ પાકિસ્તાની ટીમ હજુ પણ ખેલાડીઓના નિશાન છે. ક્રિકેટ ચાહકોની સાથે સાથે હવે પૂર્વ ખેલાડીઓ પણ ટીમ અને કેપ્ટનની કામગીરી પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની ટીમ પર સખત કાર્યવાહી કરવા અપીલ કરી છે.



કામરાન અકમલે પાકિસ્તાનના અંગ્રેજી મીડિયા 'ધ નેશન'ને કહ્યું કે, "પાકિસ્તાને વર્લ્ડકપ એવી એકપણ મેચ નથી જીતી, જેમાં તેમને ચેઝ કર્યુ હોય. પાકિસ્તાની એકમાત્ર જીત ત્યારે આવી જ્યારે યજમાન ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલા બેટિંગ કરીને 300થી વધુનો સ્કૉર કર્યો અને તેનો સફળતાપૂર્વક બચાવ કર્યો. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ અમે પુરેપુરા વિખરાઇ ગયા અને 105 રન જ બનાવી શક્યા. અમારી બેટિંગની ભૂલો સામે આવી."



પૂર્વ વિકેટકીપરે કહ્યું કે, "હું વડાપ્રધાન ઇમરાન ખાનને, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની પેટર્ન પણ છે, અપીલ કરુ છું કે જેમને પાકિસ્તાની ક્રિકેટને નુકશાન કર્યુ છે તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરો. આપણી પાસે ઘણા સારા ખેલાડીઓ છે, જો મેરિટના આધારે મોકો મળશે તો તેઓ પાકિસ્તાની બેટિંગ અને બૉલિંગને મજબૂત કરી શકે છે, અને પાકિસ્તાનને એક સારા લેવલે પહોંચાડી શકે છે."

ઉલ્લેખનીય છે કે, હાલ પાકિસ્તાન વર્લ્ડકપમાં ત્રણ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.