જાડેજાએ કોહલી, ધોનીને રિવ્યુ લેવા કર્યા મજબૂર, પછી આવ્યું આ પરિણામ, જાણો વિગત
નવી દિલ્હીઃ ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરીને 34 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જાડેજાના આ દેખાવના કારણે વેસ્ટ ઈન્ડિઝ 103 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે મેચ 9 વિકેટથી જીતવાની સાથે શ્રેણી પર 3-1થી કબજો કર્યો હતો. જાડેજાના પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મેન ઓફ ધ મેચનો એવોર્ડ સ્વિકાર્યા પછી જાડેજાએ જણાવ્યું હતું કે, બોલ લેગ સાઇડની બહાર કે લાઈનમાં પડ્યો છે તે સમયે અમને ખબર નહોતી. આ વાતને લઈ મારા દિમાગમાં શંકા હતી. જેને લઈ હું મારી વાત પર અડગ રહ્યો હતો.
જાડેજા તેની વાત પર અડગ રહ્યો અને તેણે કોહલીને રિવ્યુ લેવા મજબૂર કર્યો. કોહલીએ રિવ્યુ લીધો, જેમાં બોલ સીધો જ સ્ટમ્પ પર અથડાતો હતો. જેના કારણે હેટમાયરને આઉટ આપવામાં આવ્યો અને ભારતને મોટી સફળતા મળી હતી.
જાડેજાની બોલિંગ દરમિયાન એક સૌથી મોટી રસપ્રદ વાત જોવા મળી હતી. તેણે ધોની અને કોહલીને રિવ્યૂ લેવા માટે મજબૂર કર્યા હતા. આ ઘટના વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 16મી ઓવરમાં બની હતી. જાડેજાની આ ઓવરનો પાંચમો બોલ હેટમાયરના પેડ પર અથડાયો અને જાડેજાએ જોરદાર અપીલ કરી હતી. ધોનીએ પણ અપીલ કરી પરંતુ ધોની તેની વાત સાથે સહમત નહોતો.