નવી દિલ્હીઃ આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. બીસીસીઆઈની સીનિયર સિલેક્શન કમિટિએ સોમવારે મુંબઈ ખાતે વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમમાં પસંદગી કરેલ ખેલાડીઓના નામની જાહેરાત કરી છે.




બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ ટીમ અનુસાર ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ટીમમાં સામેલ તમામ ખેલાડી હાલમાં આઈપીએલમાં રમી રહ્યા છે. આગળ જાણો ક્યા કેપ્ટનની ટીમમાંથી કેટલા ખેલાડી વર્લ્ડકપમાં રમશે.



મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સના ત્રણ ખેલાડીને વર્લ્ડકપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ધોની ઉપરાંત કેદાર જાધવ અને રવીન્દ્ર જાડેજાને તક મળી છે.



રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી પણ ત્રણ પ્લેયર્સને તક આપવામાં આવી છે. ઓપનર રોહિત શર્માની સાથે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પણ ટીમમાં સામેલ છે.



રોયલ ચેલેન્જર બેંગલોરમાંથી કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત માત્ર યુજવેન્દ્ર ચહલ ટીમમાં સ્થાન મેળવી ચૂક્યો છે.



કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી કેએલ રાહુલ અને મોહમ્મદ શમીને ટીમમાં તક આપવામાં આવી છે.



દિલ્હી કેપિટલ્સની ટીમના માત્ર શિખર ધવનને સ્થાન મળ્યું છે.



કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાંથી દિનેશ કાર્તિકને બેકઅપ વિકેટકીપર તરીકે અને કુલદીપ યાદવને તક મળી છે.



સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાંથી ભુવનેશ્વર કુમાર અને વિજય શંકર ટીમમાં સ્થાન મળ્યું છે.