નવી દિલ્હીઃ કર્ણાટક પ્રીમિયર લીગ (KPL)માં થયેલા ફિક્સિંગ મામલે વધુ બે ક્રિકેટરની ધરપકડ થઈ છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બંને ક્રિકેટર બેલ્લારી ફ્રેન્ચાઇઝીના છે. તેમના નામ સીએમ ગૌતમ અને અબરાર કાઝી છે. ગૌતમ ટીમનો કેપ્ટન છે, જ્યારે કાઝી વિકેટકિપર બેટ્સમેન છે. તેમની કેપીએલમાં ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, અમે બે ક્રિકેટરોની ધરપકડ કરી છે. તેમના પર કેપીએલ દરમિયાન મેચ ફિક્સિંગનો આરોપ છે. તપાસમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે, ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા સહિત અનેક ચીજો મળી હતી. આ ઉપરાંત તેમણે બેંગલુરુ સામેની મેચ પણ ફિક્સ કરી હતી. ધરપકડ કરાયેલા ક્રિકેટર ગૌતમ અને કાચી ડોમેસ્ટિક ક્રિકેટ ઉપરાંત આઈપીએલમાં પણ રમી ચુક્યા છે.

આરોપી ગૌતમ ઘરેલુ ક્રિકેટમાં પહેલા કર્ણાટક માટે રમતો હતો પરંતુ ચાલુ સીઝનથી ગોવા સાથે જોડાયો છે. તે આઈપીએલમાં આરસીબી, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી ડેરડેવિલ્સ (હાલ દિલ્હી કેપિટલ્સ) જેવી મોટી ટીમો તરફથી રમી ચુકયો છે. જયારે કાઝી મિઝોરમ તરફથી રમે છે. બંને ક્રિકેટરો તેમના રાજ્યની ટીમનો હિસ્સો પણ હતા.

અગાઉ આ મામલે 4 લોકોની ધરપકડ થઈ ચુકી છે. આ પહેલા ફ્રેન્ચાઇઝી બેંગલુરુ બ્લાસ્ટર્સના બોલિંગ કોચ વિનુ પ્રસાદ અને બેટ્સેમન વિશ્વનાથની 26 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. કોચ પર સટ્ટોડિયા સાથે મળીને બેલાગવિ પેંથર્સે સામે રમાયેલી મેચ ફિક્સ કરી હોવાનો આરોપ છે.