નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ ટી20 મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે, બન્ને ટીમો આજે સાંજે 7 વાગે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાંથી શરૂઆત કરશે. ટી20 સીરીઝ બાદ બન્ને ટીમો બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવાના છે. જોકે, આ પહેલા કીવી ટીમને મોટો ફટકો લાગ્યો છે. કેપ્ટન વિલિયમસન બાદ કાઇલી જેમીસને પણ ટી20 સીરીઝમાંથી અચાનક પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. વર્લ્ડકપ ફાઇનલમાં હાર બાદ ટીમ હવે ટેસ્ટ સીરીઝ પર ફોકસ કરવા માગે છે. 


સ્ટાર કીવી બૉલર કાઇલી જેમીસને ભારત સામેની પ્રથમ ટી20 પહેલા જ પોતાનુ નામ ટી20 ટીમમાંથી પાછુ ખેંચી લીધુ છે, કાઇલી કહ્યું કે મારે ટી20 સીરીઝ નથી રમવી અને હવે હુ મારુ સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ સીરીઝ પર રાખવા માંગુ છું. એક પછી એક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીથી કીવી ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, જોકે, સ્ટાર ખેલાડીઓ ટેસ્ટ સીરીઝમાં વાપસી કરશે. ટી20 સીરીઝની કમાન અત્યારે હંગામી ધોરણે ટિમ સાઉથીને સોંપવામાં આવી છે. 


ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં આ વાત સામે આવી હતી, કીવી કૉચ ગેરી સ્ટીડે કહ્યું કે, અમે કેન વિલિયમસન અને કાઇલી જેમીસનની સાથે વાત કરી છે, તેમને ફેંસલો લીધો છે કે, તેઓ આ ટી20 સીરીઝમાં નહીં રમે, વર્ક લૉડ વધી ગયો છે જેથી સળંગ કામ કરશે નહીં, તે બન્ને ટેસ્ટ મેચોની તૈયારીઓમાં જોડાઇ ગયા છે અને મને લાગે છે કે બીજા ઘણા ખેલાડીઓ છે જે કદાચ આખી ટી20 સીરીઝમાં નહીં રમે. કૉચે કહ્યું એ ખેલાડીઓ થાક અનુભવી રહ્યાં છે, પાંચ દિવસમાં ત્રણ ટી20 મેચોની સાથે સાથે ત્રણ અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ પણ કરવાનુ છે, આવામાં આ ખુબ વ્યસ્ત કાર્યક્રમ છે. કૉચ ગેરી સ્ટીડે કહ્યું કે વર્કલૉડને ધ્યાનમાં રાખતા સ્ક્વૉડમાં રહેલા તમામ ખેલાડીઓને મોકો મળશે.