નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એમએસકે પ્રસાદની જગ્યાએ કોણ હશે તેનો નિર્ણય પણ આગામી મહિને જ થશે જ્યારે ભારીતય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈની ચૂંટણી અને વાર્ષિક સાધારણ સભા મળશે. ચૂંટણી અને એજીએમની તારીખ એક દિવસ આગળ વધારવામાં આવી છે જે 22 ઓક્ટોબરના બદલે હવે 23 ઓક્ટોબર કરવામાં આવી છે.

ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમના નવા ચીફ સિલેક્ટર માટે જે લોકોના નામ દાવેદાર તરીકે ચાલી રહ્યા છે. તેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન(laxman sivaramakrishnan)નું નામ સૌથી આગળ છે. શિવરામકૃષ્ણન દેશ માટે 9 ટેસ્ટ અને 16 વન ડે રમ્યા છે. તે 1983થી લઈને 1987 સુધી ટીમ ઇન્ડિયાના સભ્ય હતા.



શિવરામકૃષ્ણન હાલ કોમેન્ટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જો તેમને ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર બનાવવામાં આવશે તો તેમણે કોમેન્ટ્રી છોડવી પડશે. હાલ શિવરામકૃષ્ણનનો બીસીસીઆઈ સાથે કરાર છે, જે 23 ઑક્ટોબરે પ્રસ્તાવિત વાર્ષિક સામાન્ય સભા પહેલા પૂરો થઈ રહ્યો છે. માનવામાં આવે છે કે શિવરામકૃષ્ણન આ પદ સંભાળવા માટે ઇચ્છુક છે અને આ વિશે ટૂંકમાં જ સત્તાવાર રીતે વાત કરવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈને (BCCI)સેલેરીના મુદ્દાને લઈને પણ નવા ચીફ સિલેક્ટર શોધવામાં સમસ્યા આવી રહી છે. એવા સમયે બીસીસીઆઈ બધા એજ ગ્રૂપમા પસંદગીકારોની સેલેરીની સમીક્ષા પણ કરી શકે છે. એવા સમયે માનવામાં આવે છે કે સીનિયર નેશનલ સિલેક્શન પેનલના ચેરમેનને 1.5 કરોડ રુપિયાની સેલેરી આપવામાં આવી શકે છે. પેનલના અન્ય સભ્યોને 1.2 કરોડ રુપિયા મળશે.