નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના જર્સી પર ટૂંકમાં જ નવું નામ જોવા મળશે. ભારતીય ટીમની  જર્સી પર અત્યાર સુધી ચીનની મોબાઈલ ફોન કંપની ઓપ્પોનું નામ જોવા મળતું હતું. ઓપ્પોએ માર્ચ 2017માં 5 વર્ષ માટે 1,079 કરોડ રૂપિયામાં આ અધિકાર ખરીદ્યા હતા. ઓપ્પો કંપનીએ બેંગલુરુની એજ્યુકેશન ટેક્નોલોજી અને ઓનલાઈન ટ્યૂટોરિયલ ફર્મ બાયજૂ માટે આ જગ્યા છોડી રહી છે. કહેવાય છે કે, વિરાટ બ્રિગેટ આગામી ઘરેલુ મેચમાં જર્સી પર નવી બ્રાન્ડ સાથે ઉતરશે. દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ આ સીરીઝની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થશે.


અંગ્રેજી વર્તમાનપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ બાદ જર્સી પરથી ઓપો નામ હટી જશે. માર્ચ 2017માં ઓપોએ પાંચ વર્ષ માટે રૂ. 1079 કરોડમાં આ રાઇટ્સ મેળવ્યા હતા. જોકે, કંપનીએ અઢી વર્ષમાં જ જર્સી પરથી નામ હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઈ આ માટે નવેસરથી હરાજી નહીં કરે, પરંતુ ઓપોએ જાતે જ આ રાઇટ્સ બાયજુસને આપ્યા છે. ઓપોને લાગી રહ્યું હતું કે તેણે જર્સી માટે જરૂર કરતા વધારે ખર્ચ કરી નાખ્યો છે.

આ નિર્ણયને કારણે બીસીસીઆઈને કોઈ નુકસાન નહીં થાય. હવે બાકીની રકમ બાયજુસ આપશે. ઓપ્પોએ દરેક મેચ માટે 4.6 કરોડ રૂપિયા આપવા પડતા હતા. જ્યારે આઈસીસી અને એશિયા કપ માટે કંપની દરેક મેચ દીઠ 1.92 કરોડ રૂપિયા ચૂકવતી હતી. એટલે કે હવે આ રકમ બાયજુસે આપવી પડશે.