Messi 800th Goal: આર્જેન્ટિના અને પનામા વચ્ચે રમાયેલી મેચમાં લિયોનેલ મેસ્સીએ વધુ એક એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી હતી. આ મેચની 89મી મિનિટે તેણે ફ્રી કિક પર અદ્ભુત ગોલ કર્યો અને તેની કુલ કારકિર્દીના ગોલની સંખ્યા 800 પર પહોંચી ગઈ. આવું કરનાર તે વિશ્વનો માત્ર બીજો ફૂટબોલર છે. પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 800 ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.



ફિફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ આર્જેન્ટિનાની ટીમે પ્રથમ વખત મેદાન માર્યું હતું. આ મેચ બ્યુનોસ આયર્સના 'ધ મોન્યુમેન્ટલ સ્ટેડિયમ'માં રમાઈ હતી. 84000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વ ચેમ્પિયન ટીમને જોવા માટે સંપૂર્ણ રીતે ભરાઈ ગયું હતું. અહીં આર્જેન્ટિનાના ખેલાડીઓએ પ્રશંસકોને વર્લ્ડ કપની ટ્રોફી પણ બતાવી અને શુભેચ્છા પણ પાઠવી હતી. આ દરમિયાન સ્ટેડિયમમાં પણ મેસ્સી-મેસ્સીનો અવાજ ગુંજતો રહ્યો હતો.




આર્જેન્ટિનાની ટીમે એકતરફી વર્ચસ્વ જમાવ્યું

આર્જેન્ટિનાની ટીમ આ મેચમાં એ જ ટીમ સાથે ઉતરી હતી. જેણે ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડ ચેમ્પિયન ટીમ એ જ સ્ટાઈલમાં રમી હતી. બોલ 75% સમય માટે આર્જેન્ટિના પાસે રહ્યો. આર્જેન્ટિનાએ પણ કુલ 26 ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં પનામાની ટીમ માત્ર બે ગોલ કરવાનો પ્રયાસ કરી શકી હતી. આર્જેન્ટિના માટે પ્રથમ ગોલ થિયાગો અલ્માડાએ 78મી મિનિટે કર્યો હતો. માત્ર 11 મિનિટ બાદ લિયોનેલ મેસીએ ફ્રી કિક પર ગોલ કરીને પોતાની ટીમને 2-0ની લીડ અપાવી હતી. આ સ્કોર લાઇન પર મેચ સમાપ્ત થઈ ગઈ હતી.




લિયોનેલ મેસ્સી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે, જાણો કેટલી છે નેટ વર્થ

લિયોનેલ મેસીના ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ લિયોનેલ મેસીના કરિયરની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. મેસ્સીની જીવનશૈલી ઘણી લક્ઝરી છે. તેમની પાસે કાર કલેક્શનથી લઈને આલીશાન ઘર અને હોટલથી લઈને પ્રાઈવેટ જેટ પણ છે. લિયોનેલ મેસ્સી મેદાન પર અને મેદાનની બહાર બંને રીતે કમાણી કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મેસ્સીની કુલ સંપત્તિ કેટલી છે અને તેનો પગાર કેટલો છે. ફોર્બ્સ અને ઈનસાઈડરના અહેવાલ મુજબ, નવેમ્બર 2022 સુધીમાં લિયોનેલ મેસ્સીની કુલ નેટવર્થ $600 મિલિયન એટલે કે લગભગ 49,590 કરોડ રૂપિયા છે. મેસ્સી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેસ્સી પાસે એક આલીશાન હોટેલ છે, જેમાં એક રાતનું રોકાણ લગભગ 100 પાઉન્ડ છે.