Lionel Messi: ભારતીય ફૂટબોલ ચાહકોને મોટી નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. આર્જેન્ટિના ફૂટબોલ ટીમ અને તેના સુપરસ્ટાર કેપ્ટન લિયોનેલ મેસ્સી હવે આવતા મહિને ભારતના કેરળ રાજ્યનો પ્રવાસ કરશે નહીં. આ પ્રવાસના પ્રાયોજક એન્ટો ઓગસ્ટીને શનિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે કોચીમાં પ્રસ્તાવિત ફ્રેન્ડલી મેચ નવેમ્બરમાં રમાશે નહીં. પીટીઆઈના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી.

Continues below advertisement

અગાઉ, ઓગસ્ટીને કેરળ રમતગમત વિભાગ સાથે મળીને જાહેરાત કરી હતી કે મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિનાની ટીમ 17 નવેમ્બરે કોચીના જવાહરલાલ નેહરુ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ફ્રેન્ડલી મેચ રમશે. આ જાહેરાતથી દેશભરના ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો. જોકે, મેચ રદ્દ થતા તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

ફેસબુક પોસ્ટમાં ખુલાસો

Continues below advertisement

ઓગસ્ટીને પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ફિફાની પરવાનગી મેળવવામાં વિલંબ થવાને કારણે આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA) સાથે ચર્ચા કર્યા પછી અમે નવેમ્બરની આંતરરાષ્ટ્રીય વિન્ડોમાંથી મેચ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ મેચ હવે આગામી આંતરરાષ્ટ્રીય સીઝન દરમિયાન યોજાશે, જેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જોકે, કેરળ સરકારને હજુ સુધી મુલતવી રાખવાની કોઈ સત્તાવાર સૂચના મળી નથી. કેરળના રમતગમત મંત્રી વી. અબ્દુરહમાનના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગ ટૂંક સમયમાં પ્રાયોજકો અને આયોજકોનો સંપર્ક કરીને પરિસ્થિતિની પુષ્ટી કરશે.

નવી તારીખ પર નજર

અગાઉ, આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA) ના પ્રતિનિધિઓ કોચી પહોંચ્યા હતા અને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઇવેન્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી પરંતુ આ અચાનક નિર્ણયથી આયોજકો અને ચાહકો બંનેમાં નિરાશા ફેલાઈ છે. ફૂટબોલ ચાહકો આશા રાખી રહ્યા છે કે લિયોનેલ મેસ્સી અને આર્જેન્ટિનાની ટીમ ટૂંક સમયમાં કેરળની મુલાકાત લેશે. ચાહકો હવે આગામી તારીખ પર નજર રાખી રહ્યા છે જેથી તેઓ ભારતીય ભૂમિ પર તેમના ફૂટબોલ આઇકોનને રમતા જોઈ શકે.