મોહાલીઃ ન્યૂઝીલેન્ડે ભારતને આપેલા 286 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે માત્ર 48.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 289 રન બનાવી લીધા હતા. ભારત તરફથી વિરાટ કોહલીના અણનમ આક્રમક 154, અને મહેન્દ્રસિંહ ધોનીના 80 રનની મદદથી ત્રીજી વન ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે પાંચ મેચોની સીરિઝમાં ભારત 2-1થી આગળ થઈ ગયું છે.
ભારત તરફથી અજિંક્ય રહાણે 5 રને આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા પણ 13 રને આઉટ થયો હતો. આ મેચમાં ધોનીએ વનડેમાં 9000 રન પૂરા કર્યા હતા, જ્યારે કોહલીએ વનડેમાં 3000 રન પૂરા કર્યા હતા. મહેંદ્રસિંહ ધોની 80 રને આઉટ થયો હતો.
વિરાટ કોહલીએ તેની વનડે કરિયરની 26મી સદી ફટકારી દીધી છે. વિરાટે 10 ફોરની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ભારતની ત્રીજી વિકેટ મહેન્દ્રસિંહ ધોનીના રૂપમાં પડી હતી. ધોનીએ 6 ફોર અને 3 સિક્સની મદદથી 80 રન ફટકાર્યા હતા. ધોની અને વિરાટની ભાગીદારીથી ભારતે મેચમાં વાપસી કરી હતી.
ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 286 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત અને ન્યુઝીલેંડની વચ્ચે સીરિઝની ત્રીજી વન ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમના 61 અને નીશમના 57 રનની મદદથી ન્યૂઝીલેન્ડે 49.4 ઓવરમાં 285 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઉમેશ યાદવ અને કેદાર જાધવે સૌથી વધુ 3-3 જ્યારે અમિત મિશ્રા અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડની પ્રથમ ફટકો માર્ટિન ગુપ્ટિલના રૂપમાં લાગ્યો હતો. ગુપ્ટિલ 27 રને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમ્સન 22 રને કેદાર જાધવની ઓવરમાં એલબી આઉટ થયો હતો. રોસ ટેલર 44 રન બનાવી અમિત મિશ્રાની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો. મેચમાં સેટ થયેલા લાથમ 61 રને આઉટ થયો હતો. રોન્કી 1 રને આઉટ થયો હતો. લાથમ 61 પછી સેન્ટનર 7 રને આઉટ થયો હતો.