Cricket in Olympics: ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ મુંબઈમાં તેના સત્રમાં 2028 લોસ એન્જલસ ગેમ્સમાં ક્રિકેટના સમાવેશને મંજૂરી આપી દીધી છે. 16 ઓક્ટોબરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, IOC એ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટ (T20) ને નવી રમત તરીકે સામેલ કરવા માટે તેની ઔપચારિક મંજૂરી આપી હતી.


ઓલિમ્પિક 2028માં ક્રિકેટની સાથે બેઝબોલ-સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસનું પણ આયોજન કરવામાં આવશે. ગયા શુક્રવારે જ આ પાંચેય રમતો અંગે સમજૂતી થઈ હતી. આ બાબતે રવિવારથી મુંબઈમાં છેલ્લી વાતચીત ચાલી હતી અને ત્યારબાદ આજે (સોમવારે) બપોરે આ રમતોને ઓલિમ્પિકમાં સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.


IOC પ્રમુખ થોમસ બેચે અગાઉ કહ્યું હતું કે 2028માં ઓલિમ્પિકમાં બેઝબોલ/સોફ્ટબોલ, ક્રિકેટ (T20), ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ (છગ્ગા) અને સ્ક્વોશનો સમાવેશ કરવા માટે બિડ સબમિટ કરવામાં આવી હતી.






128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી


અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં પણ ક્રિકેટ રમાઈ હતી. એટલે કે તે 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં વાપસી કરશે. ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. હવે ક્રિકેટને વિશ્વની સૌથી મોટી રમતોત્સવમાં એન્ટ્રી મળી ગઈ છે. ICCએ આ માટે ઘણી મહેનત કરી છે.


ઓલિમ્પિક 2028માં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે. પુરૂષો અને મહિલા બંનેની ઇવેન્ટ હશે. હાલમાં માત્ર 6-6 ટીમોને જ એન્ટ્રી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ટીમોની સંખ્યા અંગે સ્પષ્ટતા થઈ શકે છે.