લંકા પ્રીમિયર લીગ પર કોરોનાનો કહેર, અનેક સ્ટાર ખેલાડી કોરોના પોઝિટિવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2020 04:04 PM (IST)
26 નવેમ્બર થી શરુ થવા જઈ રહેલી LPLમાં ભાગ લેનાર કેટલાક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
File photo
શ્રીલંકા: લંકા પ્રીમિયર લીગના આયોજકોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. 26 નવેમ્બર થી શરુ થવા જઈ રહેલી LPLમાં ભાગ લેનાર કેટલાક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ તનવીર અને કેનેડાના બેટ્સમેન રવિન્દરપાલ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલા ક્રિસ ગેઈલ, રવિ બોપારા સહિત અનેક ખેલાડી એલપીએલમાંથી પહેલી સીઝનમાંથી પોતાનું પરત લઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્ડી ટસ્કર્સ ટીમના ખેલાડી તનવીર અને કોલંબો કિંગ્સના રવિન્દરપાલ ટી20 ટૂર્નામેન્ટ માટે શ્રીલંકા પહોંચ્યા બાદ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. પાકિસ્તાનથી જ વહાબ રિયાઝ અને ઈંગ્લેન્ડના લિયામ પ્લન્કેટની જગ્યાએ તનવીરને વિકલ્પ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તનવીર અને રવિન્દરપાલ ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે બહાર રહેશે. એલપીએલ આયોજકોને આ પહેલા લસિથ મલિંગાના બહાર થવા પર મોટો ઝટકો લાગ્યો હતો. લંકા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં ઈરફાન પઠાણ, મુનાફ પટેલ અને સુદીપ ત્યાગી જેવા ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. લંકા પ્રીમિયર લીગની પહેલી સીઝન ઓગસ્ટ 2020માં રમાવાની હતી પરંતુ કોરોના વાયરસ અને આઈપીએલના કારણે એલપીએલને નવેમ્બર સુધી ટાળવામાં આવી હતી.