રાજકોટઃ શહેરના પેલેસ રોડ પર બે દિવસ પહેલા રઘુવીર પાર્ક મેઇન રોડ પર રહેતા યુવકનું અપહરણ થયું હતું. યુવક કૌટુંબિક બહેન સાથે ચેક કરતો હોવાની જાણકારી તેના પતિને થઈ જતાં પતિએ બે મિત્રો સાથે મળીને ભાવિનું અપહરણ કર્યું હતું. આ અંગે ભાવિને પોલીસ ફરિયાદ કરતાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ યુવતીએ ભાવિન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં સામી ફરિયાદ નોંધાવી છે.


યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાવિન રામાણી તેનો કૌટુંબિક મામાનો દીકરો છે. થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી તે સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે ચેટ અને વાતચીત થતી હતી. ભાવિન નામનો દીકરો હોય તેની સાથે વાત કરતી હતી. પરંતુ તેનો વર્તન યોગ્ય ન લાગતા અને તેનો પીછો કરતો હોવાથી નંબર બ્લોક કરી દીધો હતો. તેમજ યુવતીએ આ અંગે પતિને પણ જાણ કરી હતી.

આથી બંનેએ ભાવિનને મળીને સમવવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ ભાવિને અલગ અલગ નંબરથી યુવતીને ફોન કરી બ્લોક કેમ કરી નાંખ્યો તેમ પૂછ્યું હતું અને તારે વાત કરવી જ પડશે, તેમ કહી ધમકાવી હતી. ભાવિને યુવતીના પતિને પણ ફોન કરી ધમકાવ્યો હતો અને યુવતી સાથે વાત કરાવવા જણાવ્યું હતું.

ગત 17મી નવેમ્બરે યુવતીના પતિને ભાવિનના મેસેજ આવ્યા લાગ્યા હતા. જેથી બંનેએ ભાવિનને મળીને સમજાવવાનું નક્કી કર્યું હતું. આ પછી યુવતી પિયર જતી રહી હતી. બીજી તરફ યુવતીનો પતિ ભાઇ સાથે મળીને ભાવિનને સમજાવવા જવાનું કહીને નીકળ્યા હતા. બીજી તરફ ભાવિને અપહરણની ફરિયાદ કરી હોવાનું જાણવા મળતા યુવતીએ ભાવિન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.