નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હવે કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની પણ બીજેપીમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજેપી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને દાવો કર્યો છે કે, ધોની ટૂંક સમયમાં જ ટીમ મોદીનો ભાગ બનવા જઈ રહ્યો છે.



સંજય પાસવાને એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, તેમણે ભાજપમાં સામેલ થવા અંગે ઘણી વખત ધોની સાથે મુલાકાત કરી છે. ધોની ટૂંક સમયમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ભાજપનું સભ્યપદ ગ્રહણ કરશે. પાસવાને કહ્યું કે, ‘ક્રિકેટ દ્વારા ધોનીએ દેશની ઘણી સેવા કરી લીધી છે અને હવે તે સમાજ અને દેશની સેવા માટે રાજનીતિમાં પ્રવેશવા જઈ રહ્યા છે.’



જોકે, પાસવાને એ સ્પષ્ટ કર્યું કે, ધોનીએ આ અંગે કોઈ અંતિમ નિર્ણય નથી લીધો. ઉલ્લેખનીય છે કે, ભાજપે લોકસભા ચૂંટણી પહેલા ‘સંપર્ક ફોર સમર્થન’ નામનું એક અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ધોની સાથે મુલાકાત કરી હતી. જોકે, શાહે તેને ઔપચારિક મુલાકાત જ જણાવી હતી.