નવી દિલ્હીઃ પોતાની એક જ ઓવરમાં છ છગ્ગા ખાનાર વેલ્સના પૂર્વ બોલર મૈલ્કમ નૈશનું નિધન થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. વિન્ડિઝના મહાન ખેલાડી ગેરી સોબર્સે 1968માં કાઉન્ટી ચેમ્પિયનશિપ દરમિયાન ગ્લેમમોર્ગન માટે રમનાર નૈશની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આ પ્રથમ મેચ હતી જ્યારે ફર્સ્ટ ક્લાસમાં કોઈ બેટ્સમેને આ ઉપલબ્ધિ મેળવી હતી.


9મે 1945ના રોજ મોમાઉથશાયરમાં જન્મેલા ગ્લેમોર્ગન માટે કાઉન્ટી ક્રિકેટ રમનાર મૈક્લમ નૈશ લંડનમાં ડિનર કર્યા બાદ પડી ગયા. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મૈક્લમ નૈશને મધ્યમ ગતિના એવા બોલર માટે ઓળખવામાં આવે છે, જેમની પાસે શાનદાર વૈવિધતા હતી. તેમણે 1966થી લઈ 1983 વચ્ચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 17 સિઝન રમી હતી. મૈક્લમ નૈશ ડાબોડી બોલર હતા.



ઈંગ્લેન્ડ માટે મૈક્લમ નૈશને ક્યારે રમવાનો મોકો નથી મળ્યો. જોકે, તેમણે ઘરેલુ ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન બતાવેલું છે. મૈક્લમ નૈશે 336 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7129 રન બનાવ્યા. તેમનો સર્વાધિક સ્કોર 130 રનનો છે. તેમણે બે સદી અને 25 અડધીસદી લગાવી છે. ઘરેલુ ક્રિકેટમાં તેમણે 993 વિકેટ લીધી. જ્યારે 271 એ લીસ્ટ મેચોમાં તેમણે 2303 રન બનાવ્યા, જ્યારે 324 વિકેટ પોતાના નામે કરી હતી.