શનિવારે ઓસ્ટ્રેલિયાની ઘરેલું વન-ડે સીરીઝમાં માર્ક્સ સ્ટોઈનિસે ધમાલ મચાવી નાખી હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં તેને 58 બોલમાં નાબાદ 101 રન ફટકાર્યા હતાં અને તેમની ટીમને વિક્ટોરિયા વિરૂદ્ધ 8 વિકેટ પર 386 રનના વિશાળ સ્કોર પર પહોંચાડ્યો હતો.

બ્રિસ્બેનમાં માર્શ કપની તેમની પહેલી મેચમાં સ્ટોઈનિસે 7 સિક્સર અને 7 ચોગ્ગા ફટકાર્યાં હતા અને બોલરોને જોરદાર પરાજય આપ્યો હતો. તે તેની બેટિંગનો કમાલ હતો કે તેની ટીમે છેલ્લી 5 ઓવરમાં 96 રન બનાવ્યા હતાં. તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પણ પૂરી કરી હતી. વિક્ટોરિયાના બોલર વિલ સદરલેન્ડે તેના ક્વોટાની 10 ઓવરમાં 102 રન આપ્યાં હતા.


સ્ટોઈનિસ સિવાય કેમેરોન બેનક્રોફ્ટે 76 બોલમાં 78 રન ફટકાર્યા હતા. ત્યારે યુવા બેટ્સમેન જોસ ફિલિપે 43 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 61 રન ફટકાર્યા હતાં. એશ્ટન ટર્નરે 52 રન બનાવ્યા હતાં પરંતુ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ઈનિંગની ઉડાણ સ્ટોઈનિસે આપી હતી. તેણે આવતાની સાથે જ ચોગ્ગા અને સિક્સર ફટકારવાનું શરૂ કર્યું.


તેણે ટર્નરની સાથે મળી છઠ્ઠી વિકેટ માટે 8 ઓવરમાં 105 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્ટોઈનીસે ઈનિંગની 48મી ઓવરમાં સ્કોટ બોલેન્ડના બોલમાં 4 સિક્સર ફટકારીને કુલ 28 રન બનાવ્યા. રસપ્રદ વાત એ છે કે સ્ટોઇનિસ અગાઉ વિક્ટોરિયા તરફથી રમતા હતા.